29 - ટીના અને વરસાદ / ઉદયન ઠક્કર


લેસનથી પરવારી, સૂતી ટીના નિયમ પ્રમાણે જી
મોસમ વરસી પ્હેલુંવ્હેલું એ જ રાતને ટાણે જી
અચરજ પામી, વસ્તીભરનાં બધાં છાપરાં મ્હેક્યાં’તાં
ટીનાબ્હેનનાનાં શમણાંઓ સાત રંગનું ગ્હેક્યાં’તાં

તીક્ષ્ણ ધારને લઈ હવામાં ચોમાસાજી આવ્યા રે
અને પ્રણયના અસવારોને પવન મહીં દોડાવ્યા રે
શહેર સુરામાં પલળ્યું, એમાં વરસાદોનો હાથ હતો
મહદંશે ખુશ થઈ’તી ટીના, અલ્પાંશે આઘાત હતો

શિસ્તબદ્ધ-શા કેશકલાપો ટીનાનાં ફરફરતાં જાય
જાણે ફોરાં પડતાં પશુઓ હણહણ છલાંગ ભરતાં જાય
પુસ્તકથી છટકીને ટીના જાય જુઓ, વાદળમાં જી
અરે, કલમ બોળી લીધી એણે વરસાદી જળમાં જી

સ્વચ્છસુતરી ગોઠવણી વાદળથી નીકળી લાગે છે
તડકિત નળિયાંની રચના આ કશેક ભાળી લાગે છે
મેઘધનુષની કમાન હેઠળ સ્થળ છે ગુપચુપ, ટગર ટગર
આ તો તારું નગર છે ટીના, આ તો છે તારું જ નગર

ધોરી રસ્તે જુવાનિયાનાં ટોળાં જાય પલળતાં જી
આંખ, નાક, આકાશ, છાપરાં સંપ કરીને ગળતાં જી
ઉમંગનાં કુંડાળાં છે ને ઑફિસોને તાળાં છે
ટીના, તારા સ્વસ્થ શહેરમાં હાશ ! હવે ગોટાળા છે


0 comments


Leave comment