30 - લો સામ્મેથી જરીક ઊછળતી / ઉદયન ઠક્કર


(એક)
લો સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી...

ચણક ચણોઠી જેવું એણે નાક ચડાઈવું ઊંચું તોરે
ટર્કીશ ટુવાલ જેવાં મારાં છુંછાં ભીનાં ફરકે, ઓ રે
મોટો ચશ્મો, શર્ટ ચપોચપ – ઉષ્માનો લઘુકંપ લાવતી
લો સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી

(કોરસ )
ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ
ઉપર મુજબની અને ટૂંકમાં અમને ગમતી ગર્લ્સ

(એક)
પ્રચૂર પુસ્તકનાં બીડેલાં પર્ણોમાંથી પ્રકટે જેવી
ઊંડેથી છોલેલા લક્કડના મૂળમાંથી છટકે જેવી
એવી કૈંક પ્રબળ આદિમ ખુશબોની અમને યાદ આપતી
લો સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી

(કોરસ)
ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ
ઉપર મુજબની અને ટૂંકમાં અમને ગમતી ગર્લ્સ

( એક)
એ વરસે ત્યાં લગી બનીને ઝાડ લીલું પથરાઈ જઉં
આજે જલસીકર ઝીલવાનો છે અવસર : ફેલાઈ જઉં
વૃક્ષ કદીયે ના જાણે કે હશે કયો વરસાદ આખરી
લો સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી

(કોરસ)
ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ ગર્લ્સ
ઉપર મુજબની અને ટૂંકમાં અમને ગમતી ગર્લ્સ

(એક)
પ્રેમ અમારો બહુ બટકણો

(કોરસ)
બહુ બટકણો બહુ બટકણો
પ્રેમ અમારો બહુ બટકણો
ફરી ફરી તું અમને છોલ અમને છોલ અમને છોલ

(એક)
સ્પર્શબર્શ કંઈ નહીં જોઈએ

(કોરસ)
દોસ્ત અમારી સાથે બોલ સાથે બોલ સાથે બોલ
પ્રેમ અમારો બહુ બટકણો
(એક)
બહુ બટકણો બહુ બટકણો

(કોરસ)
સંવાદો રચવા જ અમે તો
ગ્રહો ગ્રહો પર શોધ આદરી શોધ આદરી શોધ આદરી

(એક)
ત્યાં
ત્યાં સામ્મેથી જરીક ઊછળતી એક છોકરી આમ આવતી


0 comments


Leave comment