8 - તડકા ! તારાં તીર / મનોહર ત્રિવેદી


તડકા ! તારાં તીર
વીંધતો જતો કોઈ શિકારી કોયલકાબરકીર

દૂર ભાઠોડે આંખ માંડીને ઘાસનો વાળ્યો સોથ
છાંયડા જેવા છાંયડાએ પણ વાડ્યની લીધી ઓથ

તરકોશીએ તરસ્યા એમાં ગોતવાં ક્યાંથી નીર ?

હળખેડુની ધૂંસરી ઉપર સૂરજ બેઠો હોય
ભોંયના કૂણા દેહને એની ત્રૉફતી તીણી સોય

પગ પડે તે મલક એનો, જાય ત્યાં-ત્યાં જાગીર

વાયરા સીમે સૂસવે : હડી કાઢતી આ બપ્પોર
ઝીંક ઝીલે છે તોય ત્યાં પેલી ટેકરીનો ગુલમ્હોર

ઝૂંટવે તું શું જોર ? તું તારે લાવજે તારો પીર
તડકા ! તારાં તીર
*

૧૦-૦૫-૧૯૯૯ / સોમ


0 comments


Leave comment