10 - આ પા તડકા વરસે - / મનોહર ત્રિવેદી


આ પા તડકા વરસે છે, ઓલી પા વરસે ફોરાં
દાતરડું મેલીને શેઢે, જરી આવજો ઓરાં

અહીં કણસલાં ઝૂલે એવું ઘડીક વાયરે ઝૂલો
ભીને વાન આ નભની જેવું મન મૂકીને ખૂલો

અને આપણાં દશે ટેરવે પ્રગટી ઓળેઓળ
મીટ ઘડીભર માંડો તો હું થાઉં રસકાબોળ

ફરીફરીને રહો પલળતાં રહીરહીને કોરાં
દાતરડું મેલીને શેઢે, જરી આવજો ઓરાં

હરખભરેલી સીમ ને એમાં એક તમારી રીંસ
નમણાઈમાં કરે ઉમેરણ મળ્યે રેશમી ભીંસ

સામે વ્હેતી નદી એટલો તમે વધારો વેગ
રોમેરોમે ભલે ઊછળે જળ જેવો આવેગ

આ પા તડકા વરસે છે, ઓલી પા વરસે ફોરાં
હવે હાથ આ હાથ નથી : છે કડ્ય ફરતા કંદોર.
*

૨૪-૦૧-૨૦૦૦ / સોમ


0 comments


Leave comment