15 - ઊડી ઊડી રે એક ચરકલડી / મનોહર ત્રિવેદી


ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી અને પછવાડે ઊડ્યું આ આંગણું
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું
સીમેથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
કોઈ સવાર એના કલરવમાં ન્હાય
કદી ઘરને ઘેર્યું’તું એના રુસણે

દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એકે સંભારણું
પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ ઝરણાનો આરો ?

દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે એક બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી અને પછવાડે ઊડ્યું આ આંગણું
*

૦૨-૧૧-૨૦૦૦ / ગુરુ


0 comments


Leave comment