16 - ઘેનભર્યાં.... / મનોહર ત્રિવેદી

ઘેનભર્યાં તારાં પ્રગટ્યાં લોચન : રાતને તેં શણગારી
સ્હેજ ઝૂકી મેં હળવી ફૂંકે દીપને દીધો ઠારી
સખી, દીપને દીધો ઠારી

હાથનાં કંકણ ટહુક્યાં
ઝુમ્મર કાનનાં, ઝીણું ઝૂલે
પગનાં ઝાંઝર વાતવે વળ્યાં
હોઠ પછી શેં ખૂલે ?

મન તેં કોરુંકટ્ટ ભીંજાવ્યું હેતની છાલક મારી
ઘેનભર્યાં તારાં પ્રગટ્યાં લોચન : રાતને તેં શણગારી

ગામને મૂકો બહાર ને
ભીતર ઊતરે ભલે આભ
ચાંદનીમાં તરબોળ થવાનો
મળશે ક્યારે લાભ ?

પોયણાં જેવાં ઊઘડ્યાં એવી ભીંતમાં ખૂલી બારી
સ્હેજ ઝૂકી મેં હળવી ફૂંકે દીપને દીધો ઠારી
સખી, દીપને દીધો ઠારી
*

૧૬-૦૯-૨૦૦૦ / શનિ

0 comments

Leave comment