32 - અવાજ વિરુદ્ધ અવાજ / ઉદયન ઠક્કર


અવાજ એક :
સૂરજના કેસરિયા લસબસતા રેલામાં
કોક સાંજ ડૂબવાની કેવી મજા !
એક જ સમય પર મારું-તમારું
આ દુનિયામાં હોવાની કેવી મજા !

અવાજ બે :
ટ્રેનોમાં લટકીને, બૈરીથી છટકીને
ઑફિસે ટેમસર જાવું રે લોલ !
રૂપિયાને અડવાની, લેજર ચીતરવાની,
‘યેસ બોસ’ કરવાની કેવી મજા !

અવાજ એક :
ઝરમર વરસાદ હોય, માટીલો રસ્તો, ને
ગરબડિયા ગોઠિયાની ટોળી રે લોલ !
નાનકાં ગધેડાં પલાણી, બુમરાણ કરી,
દડદડ દોડાવવાની કેવી મજા !

અવાજ બે :
નમણો દેખાવ, વળી મિક્સિંગ સ્વભાવ,
અમે સંસ્કારી કુળની તે કન્યા રે લોલ !
લગ્નોત્સુક સાફાને ચાનો કપ ધરવાની,
કારપેટ ખોતરવાની, કેવી મજા !

અવાજ એક :
રાતે પતંગ પર પાગલ ઉમંગનાં
કંદીલ પ્રગટાવવાની કેવી મજા !
હે જી ! ગંગાને નીર કોડ તણાં થરથરતાં
કોડિયા વહાવવાની કેવી મજા !

અવાજ બે :
મોઢે શ્રી સત્યનારાયણનું ટોપરું,
આંગળીએ આનંદી છોકરું, રે લોલ !
છાતીમાં તોય સખી, વિરહી મધમાખને
ગુપચુપ ઉછેરવાની કેવી મજા !


0 comments


Leave comment