37 - રામ કે ભૂત ? / ઉદયન ઠક્કર


બચપન કે દિન ભી ક્યા દિન થે !
શાળા ખુબ ગમતી હોં,
--છુટ્ટીનો ઘંટ બજે ત્યારે
હુડુડુડુ, કરતાં મેદાનમાં...
માસ્તરો બબડતાં :
રામની સેનાના હાળા વાંદરા !

ક્યારેક કરકરો કાગળ ખોલતાં ખોલતાં
ડબ
પિપરમીટ ધૂળમાં
નો પ્રૉબ્લેમ
ભિલ્લુને પૂછી લેવાનું : બોલ રામ ? કે ભૂત ?
રામ ? તો ચા...લશે
ખવાય
ભિલ્લુ ચોખલિયો હોય
તો વેંત લાંબી જીભડી કાઢે :
ભૂ...ત !

એમ કરતાં કરતાં વાનરમાંથી નર થયા
ખબરેય ના પડી
અને હૃદય રજોટાઈ ગયું
આવું મેલુઘેલું હૃદય
ચાલશે ?
કોને પૂછું ?
આસપાસ જોયું,
થોડે છેટે એક કિશોર
શામળો
ઘૂંટણ સુધી પહોંચતા બાહુ,
મરકતો મરકતો આવ્યો પાસે

‘અલ્યા, તું વળી કોણ ?’
એવા ભાવથી મેં ભવાં ઊંચક્યા.
મારે હૈયે હાથ રાખીને એ બોલ્યો:
‘રામ !’


0 comments


Leave comment