38 - પ્રયોગ / ઉદયન ઠક્કર


હેતુ : સુખની સપાટી શોધવી.

સાધનો: આયુપાત્ર, વિવિધ આકારનાં વર્ષ, અને થોડું સુખ

પદ્ધતિ : સૌ પ્રથમ એક ગોળાકાર વર્ષ લો. તેને સુખથી છલોછલ ભરો, અને
આયુપાત્રને એક છેડે બેસાડો. પછી શંકુ-આકાર વર્ષ લો. તેને ખાલી
રાખો, અને આયુપાત્રને બીજે છેડે બેસાડી દો. હવે નળાકાર વર્ષ
લઈ તેમાં અરધે સુધી સુખ રેડો, અને આયુપાત્રની મધ્યમાં ગોઠવો.
હવે ત્રણે વર્ષને સ્મૃતિવાહિની નલિકા વડે અરસપરસ જોડી દો.

નિરીક્ષણ : ગોળાકાર વર્ષમાંથી સુખનું રંગીન પ્રવાહી ઝડપભેર ઊતરી રહ્યું છે;
શંકુ-આકાર વર્ષમાં તે વેગપૂર્વક વધી રહ્યું છે. ગણતરીની પળોમાં
ગોળાકાર, શંકુ-આકાર અને નળાકારમાં સુખ સમતલ થઈ જાય છે.

તારતમ્ય : પ્રત્યેક વર્ષ આયુપાત્રનો અંશ હોવાથી, ખાલી વર્ષ અગાઉનાં સંચિત
સુખોથી ભરાઈ જાય છે. સુખ સદા પોતાની સપાટી શોધી લે છે.


0 comments


Leave comment