40 - તમે નાતે કેવા ? / ઉદયન ઠક્કર


એક તરફ સૂરજ.
ઉર્ફે કૅલેન્ડરનો ડટ્ટો
સવારે ઊગે, સાંજે ફડાઈ જાય
ક્યાં હશે, ક્યારે હશે—
બધું નક્કી
‘વર્ક ટુ રૂલ’નું જાણે રોજિંદું આંદોલન

સૂરજ
ઝાકળમાં મોં ઝબકોળતાં મોડો પડ્યો
કોચલેથી તડાક નીકળતા અબાબીલને જોવા રોકાઈ ગયો
એવું સાંભળ્યું છે કદી ?

હા, ગ્રહણ ગોઠવાય,
પણ છૂટવાની પૂર્વશરતે
પીળકેસરિયું જાદુ ફેલાવીને અલોપ થવાય,
પણ છાપેલા સમયે

બીજી તરફ વીજળી
શું હશે આ વીજળી ?
વાદળોનું હસ્તધૂનન ?
ફાવે ત્યારે થાય
ન ફાવે ત્યારે પણ
એના થવાથી બળ્યો ફાયદોય શો ?
ભીંજવી દે, ભૂંજીયે દે
ચીરી નાખે આકાશને ચુપચાપ
પછી જ બોલે
ગમે
પણ બાંધીને બે ઘડી સાથે ન રખાય

તમે નાતે કેવા ? સૂરજિયા કે વીજળિયા ?


0 comments


Leave comment