18 - આવ, બારણે / મનોહર ત્રિવેદી


ભલા આદમી, શીદને રહિયેં ઘરમાં રે અકળાઈ !
આવ બારણે, વહે ફૂલમાં સૌરભની શરણાઈ !

અડી લ્હેરખી અને ઘાસની ટોચે ઝાકળ હીંચે,
પતંગિયાંની પાંખે બેસી આવ્યા રંગ બગીચે

ડાળ નમાવી વૃક્ષ ઢોળતાં ચાંદરણાંની છાબ
વચ્ચે-વચ્ચે પંખીટૌકા છાંટે કાંઈ રૂઆબ

વેલીના મંડપમાં બેઠાં તોય હસે ના હોઠ
કોઈ પાંદડી કહે ઠોળમાં : સાવ, અરેરે, ઠોઠ !

લજ્જાથી રાતી કૂંપળની સુણશે જે જણ વાત
એ જ નીરખશે ઘરવાળીના દાડમકાળી-શા દાંત !
*

૦૩-૧૨-૨૦૦૪ / શુક્ર


0 comments


Leave comment