21 - મને ટહુકાએ – ટહુકાએ / મનોહર ત્રિવેદી


મને ટહુકાએ –ટહુકાએ વ્હેર્યો
તારા સમ, તેમ છતાં તેં જ મને તારામાં પાળ્યો – પોષ્યો ને ઉઝેર્યો

કોરા આકાશમાં હું પીંછે લખેલ
તારો એક–એક અક્ષર ઉકેલું
કોઈ ના જાણે કે તારો ફફડાટ
મારી છાતીમાં સાચવીને મેલું

ચારે બાજુથી મને ચણ પેઠે ચણીચણી ઊડીને ઠેરઠેર વેર્યા
દૂરની તે ટેકરીના પગમાંથી નીકળી
કો’ નદી જાય દરિયામાં ચાલી
ટગલી ડાળેથી એમ જાગી પરોઢિયે
તું ગીત જેમ ઢોળે ખુશાલી,

વહેતો એ કંઠ તારો ખાલી નૈ થાય, એમાં મારો ઉમંગ મેં ઉમેર્યો
*

૨૧-૦૮-૧૯૯૯


0 comments


Leave comment