22 - વસંતી સવાર લઈને / મનોહર ત્રિવેદી


અમે વસંતી સવાર લઈને ગયા ડાળખી પાસે
એણે ખોબોક ફોરમ આપી પીવા શ્વાસે શ્વાસે

ઝાકળમાં ન્હાઈને હમણાં
થઈ ગઈ રાત પસાર
ઉગમણી-પા સૂર્યકિરણનો
થશે પદ – સંચાર

ઘરઘરનાં સૌ દ્વાર ઊઘડશે પુષ્પોના સહવાસે

વહે છાંયની નદી ને
ઉપર ચાંદરણાંની નૌકા
દૂરદૂરની ખેપ કરીને
આવ્યા પંખીટૌકા

પવન-લ્હેરખી ગુંજી : છુટ્ટી મૂકી જ્યાં વનવાંસે
અમે વસંતી સવાર લઈને ગયા ડાળખી પાસે
*

૧૩-૧૨-૨૦૦૦ / બુધ


0 comments


Leave comment