25 - ઝાડવું ઝૂરે / મનોહર ત્રિવેદી


ગામથી દૂરે
વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે

લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોળ્ય ?
સાદ પાડે છે ક્યારની શેઢા દીમથી લીલી ઓળ્ય

કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે

ટેકરી એના ઢાળને કહે : જાણજે એનું દુ:ખ
પાંદડા ક્યાં ? ક્યાં છાંયડો ? ભાળું કેમ ના રાતી ડૂંખ !

દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે

કૈંક ચોમાસાં જીરવ્યાં : શીળા વાયરા : તીણા તાપ
મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ

-એજ પીડાની પોટલી ખોલે : આમ થતું રે આમ થતું રે આમ થતું રે ?
ગામથી દૂરે
વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે,
*
૨૦-૦૧-૨૦૦૧ / શનિ


0 comments


Leave comment