26 - માણસભાઈનું ગીત / મનોહર ત્રિવેદી


માણસ છે, તો માણસ થઈને રહેવા દો
આ પતીતપાવની પીડા વચ્ચે વ્હેવું છે તો વ્હેવા દો

મૂંઝારામાં જોઈ તરત હા, આમ ન દઈએ દોટ
ભોગવવાનો અવસર છે તો ભોગવવા દો ચોટ

સૂતું એનું ખમીર જાગશે : સાદ ભીતરમાં દેવા દો

માણસ હોવાના નાતે તે કરશે માણસવેડા
ક્યાંક હરખની હેલી એમાં થાશે ક્યાંક બખેડા

જન્મજાત અધિકાર છે ભાઈ, સ્હેવું છે તો સ્હેવા દો

સાંભળવું – ના સાંભળવું એ સૌના વશની વાત
ખપમાં લેશે, આજ નહીં તો કાલે માનવજાત

-કોઈ કશું ઇચ્છે તો એને મન મૂકીન ક્હેવા દો
*

૧૮-૧૦-૨૦૦૧ / ગુરુ


0 comments


Leave comment