43 - કચ્છનું રણ ખારું કેમ ? / ઉદયન ઠક્કર


‘પિપ્પી પિપ્પી સરરર રમ
નન્હે મુન્હે સૈનિક હમ’
ધરણીને ધ્રુજાવતી બાળકોની ફોજ તો ચાલી !
મકાનો ડફાડફ પડ્યાં
વાવઝોડામાં દીવડો બુઝાયને,
તેમ બાળકો બુઝાઈ ગયાં
ઊગરી ગયેલા એકે નિસાસો નાખ્યો,
‘હે ભગવાન,
રેલ્વે-અકસ્માતની જવાબદારી સ્વીકારીને,
મિનીસ્ટર રાજીનામું આપે
ધરતીકંપની જવાબદારી તમે સ્વીકારો છો ?
સૌને તમે કંઈ ને કંઈ આપ્યું :
નાગપુરને નારંગી, કેરળને કાજુ,
કર્ણાટક ને કૉફી, આસામને ચા
….કચ્છને શું આપ્યું ?
પાણીનો વિવેક પણ ચૂકી ગયા ?’
જોકે આ બધું સાંભળે કોણ ?
રોજેરોજની બાંગ અને ઘંટનાદોથી ભગવાનના કાન જરા….

જળ હતું ત્યાં સ્થળ થઈ ગયું
સ્થળ હતું ત્યાં જળ
ઊથલપાથલના સમયમાં એકાએક વહેવા માંડતી સરવાણીને
મર્દોની ભાષામાં ‘હિંમત’ કહે છે
સીતાના ભાગ્યમાં વનપ્રવેશ
પછી ઉપવનપ્રવેશ, પછી અગ્નિપ્રવેશ, પછી પુન: વનપ્રવેશ
સીતા બોલ્યાં, હવે બહુ થયું,
અને ધરતીમાં સમાઈ ગયાં.
કચ્છના ભાગ્યમાં દુષ્કાળ,
પછી વાવાઝોડું, પછી ધરતીકંપ.
કચ્છનાં ગામ બોલ્યાં, હવે બહુ થયું, અને…

માથે આકાશ અને પગ તળે…
ના, હવે તો પગ તળે ધરતીયે નથી
કચ્છની આંખ ડબ ડબ ડબ
આંસુનો સ્વાદ કેવો હોય ?
એટલે જ કચ્છનું રણ….


0 comments


Leave comment