44 - ઘર / ઉદયન ઠક્કર


મને તો ગમી ગયું છે આ ઘર
ધરતીને છેવાડે આવેલું.
રાતે નળિયાં નીતરતાં હોય, તારાઓની છાલકે
હાક મારીએ ને સામો સાદ દે, દેવતાઓ
પગ આડોઅવળો પડે તો ગબડી જવાય, અંતરિક્ષમાં
સરનામું હોય :
સ્વર્ગની પાસે.

હા, દુનિયાના નિયમો અહીં લાગુ તો પડે
પણ થોડા થોડા
રાતે હોવાપણું, આગિયાની જેમ ‘હા-ના’, ‘હા –ના’, કર્યા કરે

ઝાંપો હડસેલતી નીકળે કેડી
જેની પર લખ્યું હોય
‘કશેક તરફ’
બારીએ ટમટમે આકાશગંગા
જેની પર લખ્યું હોય
‘કશેય નહિ તરફ.’
ઘરમાં રહેતાં હોઈએ
તું અને હું
કહે, કઈ તરફ જઈશું ?


0 comments


Leave comment