46 - સેલ્લારા / ઉદયન ઠક્કર


એક :હેઇલ
સૌ : હિટલર !
એક : મજદૂર એકતા….
સૌ : ઝિંદાબાદ !
એક : કોણ સાંગતે દેણાર નાહીં ?
સૌ : ઘેતલ્યા શિવાય રાહણાર નાહીં !
એક : વિવા લા દ ફ્રાંસ…
સૌ: વિવા લા દ ફ્રાંસ !
એક : ઇસ્લામ
સૌ : ખતરે મેં હૈ !
એક : ગરીબી હટાઓ
સૌ : દેશ બચાવો
એક : મૅનેજિંગ ડાયરેક્ટર કોણ છે ?
સૌ : એક નંબર ચોર છો !
એક : ગૉડ સેવ…..
સૌ : ધ કિંગ
એક : હર… હર…
સૌ : મહાદેવ !
એક : અપની આઝાદી કો હમ હરગિઝ મિટા સકતે નહીં
સૌ : સર કટા સકતે હૈં લેકિન નસ કટા સકતે નહીં
એક : જિસસને….
સૌ : ક્રૉસ પર ટાંગો !

છતાં
આકાશમાં
સમળી
સેલ્લારા
લે
છે
સેલ્લારા
પીંછુંય
ફરકાવ્યા
વિના

સૂર્યની નાભિક પ્રતિક્રિયામાં ઉત્પન્ન થતાં તાપ પ્રકાશ અને વીજચુંબકીય કિરણો હાઈડ્રોજન બૉમ્બના સ્ફોટથી ઉત્પાદિત કન્ઝ્યુમર્સ સર્પ્લસ ખેડૂત ખેતર ખેડે અને કંદોઈ મીઠાઈ બનાવે તે સમાજસેવાની ભાવનાથી વાયુરહિત ગોળામાં ટંગસ્ટન તારમાં ભારે દબાણથી વીજળી પસાર કરવાથી વીજાણુઓનો પ્રબળ પ્રવાહ સામેના છેડે ટંગસ્ટન ધાતુના પતરા ઉપર વેગપૂર્વક ત્રાટકે મહાન હમ્મુરાબીના ધારા તેના તેંતાળીસ વર્ષના શાસનકાળ દરમિયાન અસંખ્ય થાટો થયા પણ જે રાગમાં છ જ સ્વરો શુદ્ધ કે વિકૃત હોય તે ઓડવ સરકારી જામીનગીરીઓમાં સ્ટૅટ્યુટરી લિક્વિડીટી રેશિયોમાં તબક્કાવાર વાણિજ્ય બૅંકોના એસએલઆર રાજકોષીય નિષ્ણાતોમાં પ્રામાણિકતાને ઉદ્દીપન આપવાનો પ્રશસ્ય વિકલ્પ પ્રગતિશીલ ત્રિસ્તરીય સ્લૅબ નિદેશ રાખતા એકમમાં સૂચનાક્રમના રૂપમાં માહિતી ભરીને સ્મૃતિવિભાગમાં સંગ્રહ થાય છે ચુંબકીય તાસક અથવા ખરી એકમ જેવા નિવેશ સાધનની સહાયથી નિયંત્રણ એકમ પરિણામોને નિર્ગત સાધન તરફ અભ્યુદયફલક ઉપાસનાઓ પરમાત્માને અપહતપાપ્મત્વવાળો બતાવ્યો જેમ ક્રતુના અંગભૂત ઉદ્રીથ આદિનું સમુચ્ચય દ્વારા અનુષ્ઠાન પ્રયાજ અને અનુયાજનું યજન એ કર્મ બહેરે કામિલના અરકાન મુતફાઈલુન બહેરે રજઝના મુસ્ફઅિલુનમાં પલટાઈ જશે અને બહેરે કામિલમાંથી બહેરે આર્દ્રવાયુ અલ્પાંશે સૂર્યવાયુ સમતામંડળ અને બહિર્મંડળ વચ્ચે આવેલું અયનમંડળ

છતાં
આકાશમાં
સમળી
સેલ્લારા
લે
છે
સેલ્લારા
પીંછુંય
ફરકાવ્યા
વિના

‘હું જેને નવરાવું છું, ખવરાવું છું, સારવાર કરું છું
એ બીજું કોઈ નહિ
પણ વેશપલટો કરીને આવેલો ઈસુ છે.’
કહીને મધર ટેરેસાએ
નોબેલ પારિતોષિક આપી દીધું
ભૂખડીબારસ ભૂલકાંઓને

‘કેટલું આપ્યું એ ન જુઓ
કેટલા પ્રેમથી આપ્યું, એ જુઓ’
ટેરેસા માત્ર બોલ્યાં
અને પ્રેક્ષકોએ રૂપિયા ઉછાળ્યા
કલકત્તાના રક્તપિત્તને પંપાળતી
પેલી સ્ત્રી
ટેરેસા નથી
આવતીકાલની ‘સેન્ટ’ છે !

છતાં
આકાશમાં
સમળી
સેલ્લારા
લે
છે
સેલ્લારા
પીંછુય
ફરકાવ્યા
વિના


0 comments


Leave comment