47 - કેલીફોર્નિયા માઉન્ટેન / ઉદયન ઠક્કર


ટાઇટલ
યૉર આઇઝ આર આઇઝ ઑફ અ વુમન ઇન લવ
લોકેશન
યુનિવર્સલ સ્ટુડિયોઝ, લૉસ-એન્જેલિસ
સેટ
લાકડાંનું એકમજલી મકાન - અમેરિકાના કોઈ પણ ટાઉનમાં હોઈ શકે તેવું.
છત પર હસતાં નળિયાં, આંગણે રમતું ઘાસ.

સીન ૬૩, શૉટ ૬, ટેક થ્રી
(ઍક્શન !)

એક કાવબૉય –
ફૂટ લાંબા બૂટ
ને બ્લુ ડેનિમ સૂટ,
માથે તિરછી ટોપી
રોબિનહૂડની કૉપી
ઠાગાઠૈયા કરતા ઘોડાને ઝાંપે બાંધે,
સડસડાટ ઘરમાં પ્રવેશે

લિવિંગરૂમ –
તણખાની રાહ જોતું તાપણું,
મેહોગેની વૂડનો લિકર-બાર,
ટિપોય પર મુસ્ટેચ-કપ
(મૂછ પલાળ્યા વિના કૉફી પિવાય),
સામે કોર્ટિંગ ચૅર, એક બાજુ હાથા વિનાની
(સ્કર્ટ સરકાવીને સુંદરી બેસી શકે),
અને આ સર્વ પર અણીદાર નિગરાની રાખતી સાબર જોડી
ધડ વગરની

સ્ટૂલ પર પગનો કાટખૂણો બનાવી,
દીવાલેથી ગિટાર ઉતારી, કાવબૉય તેને ગાતું કરે :
‘ડેઝી, ડેઝી, ગિવ મી યૉર આન્સર ડુ
આઈ એમ હાફ ક્રેઝી, ઑલ ફૉર ધ લવ ઑફ યુ ....’
ઓરડામાંથી, અરે, ગાઉનનો સફેદ સળવળાટ
એક નમણો નિસાસો

(સીન ફેડ આઉટ)

ઝાંપે ઘોડાનું હણહણવું
ગિટારની નોટ્સ : ડેઝી, ડેઝી...

(લૉંગ શૉટ )

નેવાડાની રેતભરેલી આંખે દૂર તાકતો
કેલીફોર્નિયા માઉન્ટેન
તેની પડખે, ઑરેન્જ ટી-શર્ટમાં સ્માર્ટ લાગતો સૂરજ
**

કેલીફોર્નિયા માઉન્ટેન,
યુનિવર્સલ સ્ટુડિયોઝ જેને બદલી શકતું નથી તેવો એકમાત્ર સેટ
સિત્તેર વરસ પહેલાંનો સાલો મરઘાં-બતકાંનો વાડો –
આજે ત્યાં સિત્તેરથીયે વધુ શૂટિંગ લોકેશન્સ !
એનીવ્હેર ટાઉન, શેરીફથી માંડીને વેશ્યાનાં મકાનોવાળું,
ધસી આવતાં પ્રલયપૂર,
‘સાયકો’ની ભેદભરમવાળી ધરમશાળા,
શાર્કસૂંઘ્યાં લોહીખારાં જળ,
તૂટતો- સંધાતો પુલ,
ડાઇનોસોરને ટહેલવા સારુ બગીચા,
બરફીલાં તૂફાન,
ભૂકંપમાં ધ્રૂજતી ધરતી,
અવકાશસફરો, બે પળમાં ઊભા થતા
ને પળમાં સંકેલાતા સેટ
પણ હા, કેલીફોર્નિયા માઉન્ટેન
યુનિવર્સલ સ્ટુડિયોઝ જેને બદલી શકતું નથી તેવો એકમાત્ર સેટ.
**

ટાઇટલ
કિંગ કૉંગ
લોકેશન
યુનિવર્સલ સ્ટુડિયોઝ, લૉસ એન્જેલિસ
સેટ
ન્યૂ યૉર્ક શહેરના મેનહટનની સ્કાયલાઇન –રૉકફેલર સેન્ટર, હિલ્ટન હોટલ,
અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ વગેરેના કટઆઉટ, બૅકગ્રાઉન્ડમાં હડસન રિવર

સીન ૫૫૯, શૉટ ૪૧, ટેક ટુ
(એક્શન !)

ત્રીસ ફૂટ બાય બે ટનનો સજ્જડબમ ગોરીલો
હનુમાનનો સાઢુ
ગાડીઓને ચગદી નાખતો ધસે –
વીજળીના થાંભલા ઉખાડે – પાડે ત્રાડ
અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગને બગલમાં દબાવે
મકાનનું ઝૂલવું
લોકોની નાસભાગ, ચીસાચીસ

(ઝૂમ)

ગોરીલાના હાથમાં સુંદરી
ભયભીત

(લૉંગ શૉટ)

બેસી પડેલાં મકાન,
આડે પડખે થયેલી ટ્રેન,
ક્યાંકથી નીકળતો ધુમાડો, અને... કેલીર્નિફોયા માઉન્ટેન.
ત્યાં તો કન્ટિન્યુઈટીવાળાની રાડ :
કટ, કટ !
ન્યૂ યૉર્કની સ્કાયલાઇન વચ્ચે આ કેલીફોર્નિયા માઉન્ટેન ?
ભૂલ
ત્રણ હજાર માઈલ લાંબી ભૂલ
ડાયરેક્ટર ફસડાઈ પડ્યો
વિયાણી ગાવડી જાણે
કોણે કહેલું રાંડની ટેકરીને
બધાં શૉટમાં ઊભી રૈ ગૈ ડીંટડી કાઢીને?
હવે એને કેમ પેરાવવું પોલકું ?
હાળા કન્ટિન્યુઈટીવાળા ઉંદરે ડુંગર કાઢ્યો
તે ય છ –છ રીલ શૂટ થઈ ગયા પછી !

બચાવી લીધા ટેક્નિકલ ડાયરેક્ટરે
પર્વતની રાઈ કરી નાખી
પચીસ પેન્ટરોને કામે લગાડ્યા
ચીતરો ટેકરીના માપનું આકાશ
પછી કટ-આઉટ કરતા જાઓ
ને આકાશ ચોંટાડતા જાઓ
એક એક ફ્રેમમાં
કેલીફોર્નિયા માઉન્ટેન
કરી દીધો છૂ ! ન્યૂ યૉર્કની સ્કાયલાઇનમાંથી

હવે તો યુનિવર્સલ સ્ટુડિયોઝમાં સ્ટાન્ડર્ડ પ્રોસિજર
કોઈ પણ ફિલ્મ હોય
પેન્ટરો આકાશ ચીતરતા જાય
અને ટેકરી ભૂંસતા જાય
**

ભૂંડા કેલીફોર્નિયા માઉન્ટેન,
કેમ અંકાઈ જાય છે અમારી એકએક અસાવધ ફ્રેમ પર ?
ન હોઈ શકે અમારે બીજાંયે સરનામાં ?

આ તો વૉલ સ્ટ્રીટની હો-હા;
(વ્હેન મની ટૉક્સ, એવ્રીબડી લિસન્સ)
શિકાગોની ગલીઓ સૂમસામ,
જ્યાં તારા કાવબૉયની ગાયો તો શું બંદૂકડીય લૂંટાઈ જાય :
આ તો લાસ વૅગાસનું રૂલેટ વ્હીલ ફરે,
અને અટકે ત્યારે થંભી જાય પૃથ્વી;
આ ન્યૂ યૉર્કની ફોર્ટી સેકંડ સ્ટ્રીટ ;
(લેટ અ લસ્ટી નીગ્રો ગર્લ વ્હીપ યુ)
આ બધામાં તું ક્યાંથી, કેલીફોર્નિયા માઉન્ટેન, તું ક્યાંથી ?
આર યુ યુનિવર્સલ?
અમારું કચ્ચકડાનું ક્લેવર
ક્યાં ક્યાં સુધી સાચવીએ તને ?

કાચનો એક ગોળો છે
ને ગોળાની અંદર ઘર
તેમાં વાગે સંગીત – ડેઝી, ડેઝી, ગિવ મી યૉર આન્સર ડુ....
પણ ઘરમાં પ્રવેશવા ગોળો અધ્ધર કરીએ ત્યાં તો
સંગીત બંધ
જાણે કશું હતું જ નહીં

વીતી ગયા દિવસો, કેલીર્નિફોયા માઉન્ટેન,
વીતી ગયો એ કન્ટ્રીસાઇડનો રોમાન્સ ;
કાવબૉય્ઝ સિગરેટ વેચે છે આજકાલ;
ગિટારોને ચાવી ગયા ઘોડાઓ;
સૂરજ કોન્ડોમ પહેર્યા વગર
અખિલાઈમાં પેસવાનું રિસ્ક લેતો નથી

હવે તો બસ ફિલમ ઉતારતા રહીએ છીએ
દસ રીલ કે બાર
જે કંઈ નક્કી કરી હશે નિર્માતાએ
અને આકાશે થીગડું મારતા રહીએ છીએ


0 comments


Leave comment