48 - ધ માસ્ટર્સ ટચ / ઉદયન ઠક્કર


સવાર
કેવું કરી ગઈ શૃંગ ઉપર ઊજળું અનુસ્વાર....
હાંસિયા મૂક્યા
વસ્તીની પાસે વનોએ,
વૃક્ષ પર પંખી વિરામો અલ્પ લેવાને રૂક્યાં
લખીએ કશું ?
ઊંચે ઝૂલંતાં
બે સુનેરી અવતરણચિહ્નોની વચ્ચે કેટલો અવકાશ....

પ્હોર
જેને પ્રકટતાં, પૂર્વે
મળ્યું છે પંખીઓનું પ્રાકકથન
તેને વાંચવાના કોણ –
આ સૌ એકબીજાની અનુક્રમણિકા જેવા આદમી?
શુદ્ધિપત્રક – શા ફરિસ્તા?
આમને શું જોઈને ઉપર ચડાવ્યાં –
રાહુલ અને કેતન કરે શશિકાંતની ટપલી-ટીખળ,
દામિની પાડે લિસોટા,
વર્ગમાંથી ધૂમકેતુ નાસે, ઊભી પૂંછડીએ....
આ બધાં કરતાં સરોવર નાનકું સારું
તરુવરોનાં પાનેપાનાનું અનુલેખન કરે જે ક્યારનું
સારાં તમરાં
તિમિરને ગોખી રહ્યાં જે પાંચસોમી વારનું
કસનળીમાં સરતચૂકથી મળી ગયેલાં રસાયણ
- શો સંબંધ
અધરોષ્ઠનો દ્વિગુ સમાસ
ગ્રેસના ગુણાંક જેવાં બાળકો આપી, કર્યા છે માણસોને પાસ
....માનો યા ના માનો
ફ્રી પિરિયડમાં બેસીને, કરી સૃષ્ટિને આખી સેટ
કોઈ માસ્તરે !


0 comments


Leave comment