30 - ચિઠ્ઠીમાં / મનોહર ત્રિવેદી


ખડકી ખુલ્લી રાખ !
પંખીને ચણ નાખે છે તો બ્હાર નજર પણ નાખ

આસપાસમાં ભીડ છતાં યે લાગે ખાલીખાલી
આંખ ફેરવું તોય મળે ના મનગમતી હરિયાળી

પોષ માસમાં હોય કદીયે લૂ-ઝરતો વૈશાખ ?

વાસીદાં પણીપોતાં ને રસોઈ જેવાં કામ
એમાં વચ્ચે પીંછા જેવું ફરકે કોનું નામ ?

હૈયું કહે છે એ વાતોને ભલે ફૂટતી પાંખ
તારું ઘર ને તારું આંગણ તારાં શેરીચોક

એવો તે શો વાંક સખી, કે અમે જ કેવળ કો’ક ?

ચિઠ્ઠીમાં ગળપણ મુક્યું છે છાને ખૂણે ચાખ
ખડકી ખુલ્લી રાખ !
*

૦૯-૦૧-૨૦૦૩ / ગુરુ


0 comments


Leave comment