33 - એમ આપણું યે – / મનોહર ત્રિવેદી


એમ, આપણું યે ચાલે છે ગાડું
સોંસરા જવાય, એમ ઘોંચમાં પડાય છતાં ફરકે ના એક્કે રૂંવાડું

ઓળખીતા-પાળખીતા આઘા થૈ જાય
કદી નજરું ને વાણીસમેત
સમજી શકાય નહીં શીદ આમ આફૂડું
વરસાવી જાય કોઈ હેત ?

ભાળીને ફટોફટ વાસી દે બારણાં તો કોઈ મૂકે ઘરને ઉધાડું

વહેલી પરોઢથી જ એક પછી એક
એવાં પછવાડે છૂટે કૈં ગામ
સાંજ ઢળ્યે થાક્યા તો વાણજોયા
પાદરના ઓટા પર કરીએ મુકામ

આંખોમાં હેમખેમ નીંદર પેસે છે પછી આવતું ના કાંઈ-કશું આડું
એમ, આમણું એ ચાલે છે ગાડું
*

૦૪-૦૪-૨૦૦૩/ શુક્ર / જન્મદિને


0 comments


Leave comment