34 - સ્ત્રી, સડક ને ગ્રીષ્મબપ્પોર / મનોહર ત્રિવેદી


નર્યું સામે રૂપ
ઉપર ને નીચે એની
આજુબાજુ ધૂપ....
પસીનાની નીક વહે પીઠે

અનાયાસ
નજરું તણાતી જાય દીઠ્યે

નહીં વૈશાખ
નહીં કેવળ બે આંખ
- એના આ લાવણ્ય મહીં
ચૈતન્ય તદ્રૂપ...

માથા પરે ઝળુંબે છે સૂર્ય
પગ પાસે પથરાતી આવતી વેકુર્ય

ફરકે ના તેમ છતાં
એકેયે રૂંવાડું
કિયે કારણ મરકે છે
જોઈ જરી આડું
મીટ સ્હેજ માંડી એણે
પાંપણે કંડાર્યો મને :
કરી મૂક્યો સ્તૂપ...

ઊના –ઊના વાયરાઓ વેઠી શકે
એવી – એવી કાય
તોય મને લાગે, અરે
નખશિખ બેઠી છે જે એ જ એક છાંય.

અલગ ના તરસ ને પાણી
બંધ હોઠે નીતરતી
મૂંગી એની વાણી
ઉઘાડા આ આભ તળે
અન્ય સહુ ચૂપ....
*

૨૦-૦૫-૨૦૦૩ / સોમ


0 comments


Leave comment