35 - કાંડું મરડ્યું / મનોહર ત્રિવેદી


કાંડું મરડ્યું એણે
રીસ કરીને છોડાવ્યું તો ઝટ દઈ ઝાલી નેણે

જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાં : હું થૈ સુક્કી ભઠ્ઠ
મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ

પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે – મ્હેણે

શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ

વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે

ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય ?

પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે ?
કાંડું મરડ્યું એણે
*

૦૬-૦૫-૨૦૦૩ / મંગળ


0 comments


Leave comment