36 - પવન ગયો છે પડી / મનોહર ત્રિવેદી


પવન ગયો છે પડી
થતું હતું કે મેઘ આવશે લઈ સાથે વા-ઝડી

ભીંત – જાળિયાં, - ગૂમ છાપરાં, કેવળ અહીંયાં બાફ
પારેવા જેવી છાતીમાં રહીરહી લવકે હાંફ

અકળામણ આ ઓશરીએથી ફળિયે કાઢે હડી

પરસેવાનાં ટીપાં ફૂટ્યાં રોમરોમની ટોચે
મારગ કરતાં અંગૂઠાના નખને છેડે પ્હોંચે

વધ્યાંઘટ્યાં તે કરે ઉઝરડા ખૂણેખાંચરે દડી

ઓછું છે તે વીજબાઈની જડ જેવી આ રીસ
સૌ બેઠું છે લૈ પોતાની ધરબાયેલી ચીસ

ત્યાં જ ભૂલમાં એક લહેરખી ઘરમાં આવી ચડી
પવન ગયો છે પડી
*

૧૭-૦૬-૨૦૦૩ / મંગળ0 comments


Leave comment