37 - મારા ખાંચામાંથી / મનોહર ત્રિવેદી


મારા ખાંચામાંથી નીકળીને સાંજે હું આવું છું રોજ તારે ખાંચે
નવરી બજાર જેવા ડોસાઓ ચોરા પર એ જ એક રામાયણ વાંચે

દુકાને જોખવાનું ભૂલીને વાણિયો
આવ-જાનાં બાંધે પડીકાં
ગલ્લો ભૂલીને એની ઝાંખી બે આંખ
મારાં પગલાંમાં ગોતે છે સિક્કા

ઊભા ઘરાક એકબીજાને પૂછે કે : ચૂંથે આ કાગડો શું ચાંચે ?

ટોળે વળેલ વહુવારુ પણ ટોળમાં
સામસામી મારે છે કોણી
તું જેને હાડોહાડ ખોદણી કિયે છ એને
હું કહું છું શુકનિયાળ બોણી

તારી હથેળી આ રૂડી ના હોત : હોત સરખી જો આંગળીઓ પાંચે
મારા ખાંચામાંથી નીકળીને સાંજે હું આવું છું રોજ તારે ખાંચે
*

૧૮-૦૬-૨૦૦૩ / બુધ


0 comments


Leave comment