61 - પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને... / ઉદયન ઠક્કર


પીળચટ્ટો, જ્યાં અડ્યો ભૂરાને, લીલો થઈ ગયો
તાપ ને વર્ષામાં વૃક્ષોનો કબીલો થઈ ગયો

કૈં યુગો સુધી પવન મનમાં જ મૂંઝાતો રહ્યો
પાંદડાંએ બોલતાં શીખવ્યું, સુરીલો થઈ ગયો

પૃથ્વી તો સ્હેજે ફુદરડી ફરતી, રમતી નીકળી
ધીરે ધીરે થઈ ગઈ આદત, ને ચીલો થઈ ગયો

પાણી પ્રકટ્યું, ત્યારે ચાંદો સોળ-સત્તરનો હશે...
જોઈને દર્પણમાં, છોગાળો - છબીલો થઈ ગયો

માટીનો ઢેખાળો હુશિયારી બહુ કરતો હતો !
પગ તળે રેલો જરા આવ્યો, તો ઢીલો થઈ ગયો

સૌ ગ્રહોને રાતદિવસ જેનું આકર્ષણ હતું
અંતે, જકડી રાખનારો એક ખીલો થઈ ગયો


0 comments


Leave comment