39 - માથે બાંધ્યું ફાળિયું / મનોહર ત્રિવેદી


માથે બાંધ્યું ફાળિયું, ખભે એક પછેડી-
દોટ સામેથી મૂકતી, વાવડ પૂછતી
આવે ઓળખીતી ને અથરી કેડી

તાપથી ત્રાસી જાઉં પીલુડી હેઠ ત્યાં
એની ડાળ નમાવી વ્હાલથી વેરે
ખોબલા ભરી છાંય

વગડો વીંધી દૂર છીંકોટા મારતો પવન
ક્યાંક ઘડીભર અટકી, ભીની મટકી
જેવી લ્હેરખી આપી જાય

એક પછી એક પાંખ સંકેલી પંખીઓ બેઠાં
એ...ય ને હલકદાર નિરાંતે
ગમતીલા કો’ સૂરને છેડી

રાશ-વા જ્યાં બપ્પોર નમ્યા ને
કોઈ ગોવાળે હોઠથી સીટી રમતી મૂકી
એટલામાં બેબાકળી વાડી જાગતી નીંદરભેર

હું ય તે ઘેટાંબકરાં વચ્ચે
કરતો મારગ જાઉં ને થતું
હમણાં સામી ટેકરી ઉપર બેસશે સૂરજ મેર

ઉગમણીપા ગામ છૂટ્યું ને આમ જ્યાં દીવે વાર પડી
ઈ દ્રશ્યથી મને સાદ કરે છે મોંઘી ને મઘમઘતી મેડી
*

૧૮-૦૮-૨૦૦૪ / બુધ મેઘાણી જયંતી


0 comments


Leave comment