41 - એક છોકરી આદિવાસીની / મનોહર ત્રિવેદી


એક છોકરી આદિવાસીની સાંજે સામી મળે
પરિચય જોકે કશો ન તો યે વળગી જાતી ગળે

હાથ ઝાલીને કહે લાડથી : ગાવ ગીત, રે ચાલો
તોફાની, પણ પાય આંખનો મને મીઠડો પ્યાલો

હું મૂંઝાઈ મરું પણ તે તો ચપટીકે ના ચળે

વળી આંગળી ફરે કેશમાં : ટગરટગર શી તાકે
નર્યું નીતરે વિસ્મય તનના એકેએક વળાંકે

નાનકડી આ નદી અકારણ મારામાં ખળખળે

ખિલખિલ ભોળું હસે, બીજું કંઈ-કશું મને ના પૂછે
ઋજુ ટેરવે વહી જતાં મારાં અશ્રુને લૂછે

ગોરજટાણે આમ દીકરી લોચનમાં ઝળહળે
*

૧૪-૧૦-૨૦૦૫ / શુક્ર


0 comments


Leave comment