45 - સીમ-થાકોડો / મનોહર ત્રિવેદી


સીમ-થાકોડો ઓગળે : પડે ઝાલરથી જ્યાં સાદ ચોરાનો

ઘરઢાળું જો, જાય છે ગોધણ એમ આ મારગ જાય
ધૂળથી ભરી કેડીયું, નદી જોઈ સાંજુકી ન્હાય

મોલને રેઢા મેલ્ય તું-તારે, વાયરો વાયો હાલ્ય પૉરાનો

હોઠમાં વ્હેતી ફૂંકને ઝીલે ઉમળકાથી શંખ
ધૂપની છાલક વાગતાં, રહે ક્યાંય ના ઝીણો ડંખ

ગામ જે વેરવિખેર તે પરોવાય : નાતો છે સોય-દોરાનો

થૈ વાળુની વેળ્ય : લગીરે કોઈને નથી ખ્યાલ
શ્વાસ ભેળી હથેળિયું સોતે કંઠને દેતી તાલ

જીવમાં મળે જીવ : પછી’ તો કોણ આઘેનો, કોણ ઓરાનો ?
*

૧૬-૦૮-૨૦૦૬ / બુધ


0 comments


Leave comment