47 - ચિતરામણ / મનોહર ત્રિવેદી


એમ હથેળીનું ચિતરામણ કોઈ શકે શું ભૂંસી રે ?
વણબોલ્યે જે પાય હંમેશાં મધ સાથે અરડૂસી રે !

સેંથીમાંથી ઊગે સૂરજ લઈને કુશળક્ષેમ
હોઠ હસે બે હર્યાભર્યા ત્યાં ચીજ બધી યે હેમ

આજુબાજુમાં રમવા શૈશવ કરતું હુંસાતુસી રે

ઇચ્છે તો ત્યાં ઉકેલાતી ગૂંચવાયેલી વાત
એક જ પળમાં સંકેલાતી ઊંઘભરેલી રાત

પગરવ થાતાં જાય ઑસરી ઘરની કાનાફૂસી રે

નજરુંને આડશમાં રાખી ન્હાતી માથાબોળ
બ્હાર જરી આવે ને ઊઠે મઘમઘતી કૈં છોળ

ચહેરાઓ સૌ દર્પણ દર્પણ: અર્થ કરો તો ખુશી રે
*

૦૯-૦૧-૨૦૦૭


0 comments


Leave comment