62 - કમળદળને ભિજાવીને... / ઉદયન ઠક્કર


કમળદળને ભિજાવીને અમે પણ જોઈ લીધું છે
કોઈને યાદ આવીને અમે પણ જોઈ લીધું છે

તમારું મુખ કોઈ કિસ્મતની બાબત હોય એ રીતે
હથેળીમાં છુપાવીને, અમે પણ જોઈ લીધું છે

કોઈને ક્યારે ક્યારે, કોનું કોનું, આવે છે સપનું
કદીક એમાં જ આવીને, અમે પણ જોઈ લીધું છે

ઉજાસો ઝળહળાવીને તમે જે માંડ જોયું, એ
તિમિરને ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે

જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે

ક્યા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે

અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે


0 comments


Leave comment