63 - રૂપ રહેવા દે મ્યાન... / ઉદયન ઠક્કર


રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં

ભૂલથી પણ એ ભાવ તો પૂછે..
આખેઆખી દુકાન આપી દઉં

મોસમે પૂછ્યું , આંખ મિચકારી,
‘એક ચુંબન, શ્રીમાન, આપી દઉં?’

પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં

કાં તો ભમરાને ગાન ના આપું,
કાં તો કળીઓને કાન આપી દઉં

બોલ્યા પંડિત પતંગિયું જોઈ,
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં?’


0 comments


Leave comment