70 - ત્રિપદી - ૨ / ઉદયન ઠક્કર


વાહ રે ! વરસાદનું ટીપું પડ્યું
લાગલું, મારી હથેળીને અડ્યું
હસ્તધૂનન થઈ ગયું, આકાશથી !
**

ખારે તટ, મીઠી રચીને અંજલિ
એક પગ ઉપર તપશ્ચર્યા કરે
નારિયેળીની જટાઓ ફરફરે
**

તું ને હું કહીએ, તો એવું ના બને
મોરલાની, ભાઈ, જુદી વાત છે !
બોલી ઊઠે, ‘ખુલ જા સમ સમ’, અને...
**

બાપદાદાઓનાં જૂનાં ઝાડ છે ?
ફોડ પાડ્યો, એ તમે સારું કર્યું
હું તો સમજેલો, ચીકૂનાં ઝાડ છે
**

‘કેમ પ્યારે, ઘાસ કેવું હોય છે?’
તીતીઘોડાને પૂછ્યું, તો એ કહે
કે દીવાને – ખાસ જેવું હોય છે !
**

મોર જ્યારે જ્યારે પણ કરતો કળા
એટલું, બસ, પૂછવાનું થાય મન :
આ બધું તો ઠીક છે, પણ ઉડ્ડયન ?
**

વાયરો સહી ના શક્યો ઘોંઘાટને
પંખીઓએ એનું ઓસડિયું કહ્યું,
‘આ લે, ટહુકાઓ લસોટી ચાટને !’
**

મ્હેક સરનામું કદી હોતી હશે ?
એક ફૂલ ને પામવા મધુમક્ષિકા
કેટલાં ફૂલોનાં મોં જોતી હશે ?
**

ચંદ્રલેખાને કરી લે હસ્તગત,
એટલી તો હોય કોની હેસિયત ?
તે છતાં ચમક્યા કરે, ખાબોચિયું
**

મારી સાથે પીપળો મારે શરત :
ફેંકવું હો, એ તું તારે ફેંકને !
એકી શ્વાસે ઝીલીને, ફેંકું પરત.
**

કાં તો સાંભળશે ને કાં તો બોલશે
આપને શ્રીમાન, પંખી શું કહે ?
વૃક્ષની પાસે જ હૈયું ખોલશે
**

ફાગ-ફોરમ, બે થયા અંકો રજૂ
ધૂળિયો પરદો જ ઉંચકાયો નહીં
મૂળની વાતો રહી બાકી હજુ
**

એક વાતે વાયરો મુંઝાય છે
જેનાં જેનાં રંગને રોનક વધે
મ્હેક એની કેમ ઓછી થાય છે ?
**

મ્યુઝિયમમાં જોડજોડે જોઈ લો :
બારની બાજુમાં સત્તરમી સદી
આપ પણ ઉમેરો, પોતાની વદી !
**

કચ્છપાવતાર
લાંબી આવરદા, ને જાડી ચામડી
લાડવાની લાલચે રહેતા પડી
તીરથોના ઘાટઘાટે... કોણ તે ?
**

ચસચસાવી ચુસકી ચાની લીધી,
કીટલીમાંથી કરિશ્માઓ થયા !
(વાત અલ્લાઉદ્દીનની માની લીધી.)
**

ફૂંક મારી ત્યાં કશું જાદુ થયું !
આ તરફ એક દીવડી બુઝાઈ ગઈ
તે તરફ આકાશ, ઝળહળતું થયું
**

એવી તો યુક્તિ બહુ મુશ્કેલ છે
ચાલતી અંદર અદાલત, બહાર પણ,
બેવડી મુક્તિ બહુ મુશ્કેલ છે
**

બે જ બટકામાં પૂરું વાળુ થયું
ધીરે ધીરે ધૂંધવાતી સગડીની
મેશથી, આખું ગગન કાળું થયુ
**

આ પ્રતીક્ષાનું કોઈ કારણ હશે ?
આપણી વાર્તાઓ, હપ્તાવારની
પૂરી થઈ ગઈ ? કે કોઈ સાંધણ હશે...
**

પ્રેયસી મળવાનો ક્યારે યોગ છે ?
હાથ લંબાવીને, હું પાસે ખસ્યો
જોઈને જોશીડો ફૂ..ફૂ.. ફૂ... હસ્યો
**

તારી નજરે પ્રેમ વાહિયાત છે ?
આંખમાં આંખો પરોવી જોઈ લે
બે અને બે ચાર જેવી વાત છે


0 comments


Leave comment