48 - તારો તંત / મનોહર ત્રિવેદી


જાણું તારો તંત
ધ્યાનબ્હારો થતાં લાવે વાતનો જ અંત

તું બોલે ત્યાં બારીઓના સળવળે કાન
તીરછી આંખોથી જુએ નાકાની દુકાન

પડોશીની છોકરીનાં રોમે ઝગે દીવા
સારસીની જેમ તારી વાંકી થતી ગ્રીવા

અરે અરે, ફાગણમાં રિસાઈ વસંત ?

આજુબાજુ ફર્યા કરે ટહુકાની ટોળી
ચમેલીયે ફૉરમની પૂરે છે રંગોળી

ઓછું હોય એમ રાત લાવે ભીનો વાન,
ઉમેરાય પળેપળ પંડ્યનું તોફાન

ફળી-ભીંત-ઓરડાઓ થાય ત્યાં જીવંત
*
મે-૨૦૦૭


0 comments


Leave comment