51 - તમને – / મનોહર ત્રિવેદી


તમને દેખું તો ઊભી થાય એક દ્રારિકા ને હસતા ભાળું તો હરિદ્રાર
ટેરવાં અડે ને બજે મીરાંનાં મંજીરાં, નરસૈંનો રેલે કેદાર

આવ્યા તમે જે મારા અંધારા ઓરડે
તો આપમેળે પ્રગટ્યાં કૈં તેજ
દર્પણની જેમ પછી સામે ઊભા તો જાણે
પહેલવેલી જોઈ મને મેં જ

અણગમતું એય આજ વહાલું લાગે છે એવો ભર્યોભર્યો કીધો સંસાર

નજરું જો મેળવો તો વનરાવન ઢૂંકડું
ને વાણીમાં જમુનાનાં નીર
ચપટીથી કિયો તાર સાંધ્યો તમે કે
સાળ-સાખીમાં દીઠા કબીર

ઠેશથી ઊડેલ ધૂળ આકાશે પૂગી તો થૈ ગૈ એ હંસોની હાર
તમને દેખું તો ઊભી થાય એક દ્રારિકા ને હસતા ભાળું તો હરિદ્રાર
*

૨૫-૦૬-૨૦૦૯ / ગુરુ


0 comments


Leave comment