54 - પ્રાર્થના – ૩ / મનોહર ત્રિવેદી


પુનરપિ પુનરપિ તને નમું છું પરમ પ્રિય હે આંગણ
તુલસીક્યારો દીપ ભૈરવી કરે સૂર્યને પાવન !

સુખડ ઘસતાં થતો ધૂળમાં ગંધભર્યો સંચાર
બેઉ હથેળી જેવાં શોભે લાભશુભથી દ્રાર

પુષ્પ ઊઘડે એમ પ્રભાતે ઊઘડતાં વાતાયન !

કોઈ એષણા દિયે ટકોરા આવે થઈ અભ્યાગત
પગરવ ઝીલે ભર્યા ઉમળકે પામે તારું સ્વાગત

ઘર તો ઘર છે: આવનારને કદી ન પૂછે કારણ

હૂંફભરી આડશ, તડકામાં ધરે સહુને છાંય
ચોમાસે વાઝડીની વચ્ચે રક્ષા પામે કાય

તારે મન ના ભેદ કશોયે શું શ્રાવણ, શું ફાગણ ?
*

ઑગસ્ટ, ૨૦૦૭


0 comments


Leave comment