73 - મુક્તક - ૧ / ઉદયન ઠક્કર


હું એનું નામ શું આપું ? તું એનું નામ જાણે છે
ગગનમાં એકલે હાથે કરેલું કામ જાણે છે
એ નાહક સીધે રસ્તે ચાલવાની હઠ લઈ બેઠો
થયું શું આખરે એનું, એ આખું ગામ જાણે છે !
**

જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ ?
સમંદરપારના પંખીને તું દે છે ક્યો નકશો ?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ
**

શ્રીયુત તંત્રીમહોદય, હું હજી માની નથી શકતો
ખરેખર, મારી પાસેથી તમે આ શું મગાવો છો ?
બધાંને સંપે સાચવતી તમારી પાંજરાપોળે
આ મારો શેર મૂકીને, તમે જોખમ ઉઠાવો છો !
**

‘વાંચીને કરજો પરત’
હોય કૈં એવી શરત ?
કૈંક ઉમેરું, લખું....
હસ્ત હો કે હસ્તપ્રત !
**

એક દિવસ અક્ષરમાં થરથર આવી પહોંચી
મુનીમજીની આંખે ઉંમર આવી પહોંચી
લળુંબ ઝળુંબ મોતીનાં લટકણિયાં ઝૂલ્યાં
પછી વેદના, વિધિપુર:સર, આવી પહોંચી
**

સૌ વખાણે એનાં સર્જન, ચોથ થી ચૌદસ સુધી
શિલ્પકારીનું પ્રદર્શન, ચોથ થી ચૌદસ સુધી
ટાંકણાની બારીકી શું કામ આવી ટાંકણે ?
થઈ ગયું ને, લો વિસર્જન, ચોથ થી ચૌદસ સુધી
**

ક્યારે, કઈ રીતે, ને એમાં વાંક કોનો ? શું કહું ?
વાતેવાતે એમ દસ્તાવેજ થોડા હોય છે ?
પાંપણો ઝુકાવી મન, હળવેકથી, પાછું વળ્યું
સર્વ કિસ્સા સનસનાટીખેજ થોડા હોય છે ?
**

કોડિયા પર સૂર્ય તડક્યો, ‘તારી કોને છે ગરજ ?
નૂરની નબળી નકલ ! જા, જા, ને બીજું કંઈ સરજ...’
ઝંખવાઈ કોડિયું કહે, ‘મુલતવી રાખો, હજૂર,
આ ચુકાદો, આજ રાતે, આપવાની છે અરજ’


0 comments


Leave comment