74 - નઝમ / ઉદયન ઠક્કર


‘હું લાવવાની છું ફૂલો નવીનવાઈનાં,’
વચન તેં આપ્યું, પછી રાહ જોઈ બેઠો છું
ગુલાબનાં એ હશે ? જૂઈનાં ? કે જાઈનાં?
ખબર કશીય નથી, રાહ જોઈ બેઠો છું

કદાચ રાતની રાણી નહીં.... ને તું આવે
અને હું બે’ક પળો તો વિચારતો જ રહું
સિતારા દૂર છે, તો મ્હેક કોણ ફેલાવે ?

છુપાવી લાવી છે એવું તે શું હથેળીમાં ?
હું નામ એક પછી એક પૂછતો જાઉં,
હસીને ચાંદ બતાવી દે તું, હથેળીમાં !

ઈસુના સાતમા સૈકાની ડાબી બાજુએ
નિરાંત નામનું વિસરાયેલું સરોવર છે
ચકેલી ચાંદની ક્યારેક, યાદ આવે છે ?
ને પેલી પોયણી, ક્યારેક યાદ આવે છે ?
- તું એને નહિ લાવે ?

ન તારું કાંઈ કહેવાય, સાથે લઈ આવે
તું પેલું ફૂલ, જે પેલે દહાડે ઉગેલું
ના રે ના, એ નહિ, એ તો બીજું, આ તો પેલું
ને એની ડાંડલી એ હોય, પેલો તડકો પણ

અપારદર્શી અબોલાને દરમિયાન કરી,
ઝૂકી-ઝૂકી શી પલકમાં નજરને મ્યાન કરી,
તું ખોબલામાં કશું આપી જાય હળવેથી,
શુંનું શું એમાં હશે ? ના કળાય, હળવેથી
હું જોઈ લઉં, તો અરે ! ઝીણાં ઝીણાં ફૂલ મળે
જે શ્વાસ લેતાં હશે, આની આગલી જ પળે...

કહું તો કોને કહું, ફૂલ શું વિતાડે છે ?
બચું સુવાસથી તો રંગથી દઝાડે છે
કશેક મારી સમજવામાં ભૂલ છે કે શું ?
લઈ તું આવી એ... આખરનાં ફૂલ છે કે શું ?


0 comments


Leave comment