75 - અનુસ્વાર / ઉદયન ઠક્કર


કેમ શંકરના જટાળા મસ્તકે
આ ચળકતું ચાંદનું ટપકું હશે ?
ઓસબિંદુ છાનુંમાનું શીદને
પાંદડા ઉપર જઈ બેઠું હશે ?

કેમ આ ભમરાનું ગુંજન સાંભળી
પાંખડી ઝૂકી જતી આભારમાં ?
એકલાં ને જે અટૂલાં હોય છે
પામતાં શું પૂર્ણતા, અનુસ્વારમાં ?
**

નાસિકાના દંડનો આધાર લઈ
ભ્રૂકુટીના મૂકીને માત્રામરોડ
પેલી જગ્યાએ જ ઘૂંટવાના કોડ
ગુંજતા રહેવાય જ્યાં શરણાઈ થઈ

શ્યામવનમાં સાંકડી કેડી મળે
રાવટી રોપીને જ્યાં અટકી શકું
ઊના ઊના વાયરાઓ સળવળે
છાકટી એ છોળથી છટકી શકું

બોલને, પ્રતિબિમ્બની ચૂકવી નજર
કંકુપગલે કેશમાં ઓળાઉં કે ?
સ્વપ્નમાં સળ જેવું પાડી રીતસર
ઝીણાં ઝરણાંઓમાં ઝબકોળાઉં કે ?

જોઈ કોરા કેશ ને કોરું કપાળ
છાને ખૂણે આંખ ભીની થાય છે ?
સેંથી પર અનુસ્વાર હોવો જોઈએ ?
સાચું કહેજે, તારો શો અભિપ્રાય છે ?


0 comments


Leave comment