76 - રમકડું / ઉદયન ઠક્કર


આવો, આવો, આમ આવો શેઠ, નવું રમકડું જોતા જાઓ
જોવાના અહીં પૈસા ક્યાં છે, જરા ગતકડું જોતા જાઓ
મહેરબાન, આ નંગ તમારા ઇશારા પર ચાલે છે
સમજો કે એનું સંચાલન તાળીઓના તાલે છે

પહેલી તાળી : તાજી ગઝલો ! (વીસ વરસથી લાવે છે)
બીજી તાળી લેવાને કવિતા કેવી લંબાવે છે...
ત્રણથી નંબર ચૌદને માટે આ સાથેનું લિસ્ટ જુઓ
પંદર-સત્તર પાડી દો, તો ગરબી પણ ગવરાવે છે !

નથી જરૂરત ચાવીની કે નથી જરૂરત વાયરની
તાળી પાડો ત્યાં હાજર છે સકલ પ્રતિભા શાયરની

અટકાવવાની ચાંપ પૂછો છો ? ગોતતા જ રહેજો, સાહેબ
મળી જાય, તો ફોન કરીને અમને પણ કહેજો, સાહેબ
ગમી ગયોને ? કેમ ના ગમે... કૅશ-મૅમો કાપું સાહેબ ?
માઇકની સાથે આખો શાયર બાંધી આપું સાહેબ ?

એ શું બોલ્યા ? વગર માઇક ને વગર તાળીનો માગો છો ?
ખરા છો તમે ! ખોટો દાદર ચડી ગયેલા લાગો છો...
સાંભળ્યું છે કે બનાવનારે એવા અમુક બનાવ્યા છે
પણ એ દુકાને-દુકાને વેચાવા ક્યાં આવ્યા છે ?


0 comments


Leave comment