78 - પણ / ઉદયન ઠક્કર


મારો ઝાંપો વાસેલો હોય, પણ
એની ઉપરવટ ચરકલડીબાઈ
પણે તડકી ને છાંયડી વેરાઈ
જાણે જાર અને બાજરીના કણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
એને કુદાવીને કહે શિશુ
‘એ...ઈ, આંખો કાઢે છે શું ?
આંખ મીંચીને દસ સુધી ગણ...’

મારો ઝાંપો વાસેલો હોય, પણ
નારિયેળીએ ચાંદ ઊગી જાય
ચાર ચીકુડી વાયરામાં ન્હાય
ખૂલતું જાય વાતાવરણ

મારો ઝાંપો વાસેલો હોય, પણ
ક્યાં સુધી સોરવાતો રહે ?
વનવગડામાં જાવા ચહે
ડાહીનો ઘોડો : એક, બે, ત્રણ....


0 comments


Leave comment