80 - દુહા / ઉદયન ઠક્કર


લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો ! દર્શન થઈ ગયાં !’ બોલે જાદવરાય
**

છેકું, ભૂસું ને લખું, કેમ થાય છે આમ ?
બાકી એનું નામ તો, સાવ સહેલું નામ...
**

વહેલા નજરે ના ચડે, પવન હોય કે પ્રેમ,
જોઈ શકો તો પૂછજો : ચોખ્ખા છે કે કેમ ?
**

તાજમહાલોની બુલંદ છોને પ્રેમસગાઈ
અનારકલીએ વાપરી, કેટલી એફએસઆઈ ? ૧
૧ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ : બાંધકામની મર્યાદા નક્કી કરતો, નગરપાલિકાનો અંક.
**

બીજું સાજણ શું લખું ? લખું એક ફરિયાદ
ક્યારે આવી હેડકી ? તેય ન આવે યાદ....
**

કૂવાથાળે આવવું છોડી દેને છેલ,
સૈયર બદલાવી જશે મારી સોના-હેલ
**

ધુમ્મસછાયા પૃષ્ઠથી, ઝાકળભીને હાથ
ગોખે ગભરુ બાલિકા સુંદરતાના પાઠ.
**

તંબાકુના મોલને કિરણ જરા અડી જાય
ગોટા ધુમ્મસના ઊડે, ખેતર ખાંસી ખાય
**

લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ
**

સરવર ઝાંખું થાય ને કાંઠાઓ કજરાય
ખોબે ખોબે પી લિયો, સાંજ સુકાતી જાય
**

ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ?
**

કદી કદી રિસામણાં, કદી કદી મેળાપ
બચપણના બે ગોઠિયા, અજવાળું ને આપ
**

સાંજ ઢળે, આકાર સૌ નિરાકારમાં જાય
ગોકુલ સરખું ગામડું શ્યામલવરણું થાય
**

રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ !
**

જળ પર વહેતાં જોઈ લો, વનસ્પતિનાં મૂળ
મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ
**

સુખ ને દુઃખનો પ્રાસ તો સરખેસરખો હોય
બે અક્ષરની બીચમાં, જોકે, થડકો હોય


0 comments


Leave comment