81 - સોરઠા (મધ્યમેલ) / ઉદયન ઠક્કર


જોગી બેઠો આસને, જાગ્રત કરવા પ્રાણ
એમાં થઈ મોકાણ : ઊલટાનો પગ સૂઈ ગયો
**

છેટો તું બે વેંતથી, જોવા ભાવી સાચ
જોશી, હાથ ન વાંચ, વાંચ અમારું બાવડું
**

લખચોરાશી ચૂકવી લીધેલું આ પાત્ર
ભરશે એમાં માત્ર પાણી તું સુધરાઈનું ?
**

ઝિલાયાં તસવીરમાં રંગ-રૂપ આબાદ !
તોય એક ફરિયાદ : ખુશબો કા ક્યા કીજીયે ?
**

એનું આંખો મેળવી જોવું પળ બે પળ
ડહોળાયેલે જળ ફરતી જાણે ફટકડી
**

અંધારે ફંફોસતાં ઉષ્ણ કોઈ કટિબંધ
ઘેરી વળતી ગંધ, વણજોયેલા ફૂલની
**

કાળી, મીઠી ને કડક : કૉફી છે કે આંખ ?
છાંટો એમાં નાખ, શેડકઢા કો સ્વપ્નનો


0 comments


Leave comment