82 - પાનેતર શી છોકરી / ઉદયન ઠક્કર


પાનેતર શી છોકરી, જો ફરફરતી જાય
મીટ પડે ને માટીડો મીંઢળવંતો થાય

ઝુલ્ફે ઝુલ્ફે ઝૂલીએ હું, પેલો ને આપ
તેલ ધરું હનુમાનને : થાય હસ્તમેળાપ

લઈ શકોરાં (શું કહું!) લોકો ઘાંઘાં થાય
શેડકઢું સ્મિત, આણી ગમ, થોડું તો ઢોળાય

કાચી-કુમળી દાંડલી, સોનકમળની જોડ
મારે તો, સાચું કહું, ભ્રમર થવાના કોડ

મીઠા જળની માછલી ને પાછી આઝાદ
તરફડવું શી ચીજ છે ? આંસુનો શો સ્વાદ ?

હરવું, ફરવું, લ્હેરથી તરવું ઘાટેઘાટ
તરલકાય, વિદ્યુતગતિ, માછી પડતા ચાટ

આવ્યો એક યુવાન ત્યાં, ભાથામાં બે તીર :
શરીરમાંનો આતમો, બીજું સ્વયમ્ શરીર

ભવ્ય ભ્રૂકુટી તાણીને કીધું છે સંધાન :
હતું કુંવારું બાણ : થવા કાળ તે થઈ ગયું

કર્યો મત્સ્યનો વેધ ને થયો હસ્તમેળાપ
ઝૂલા ખાતા રહી ગયા હું, પેલો ને આપ !


0 comments


Leave comment