83 - ગરુડ પુરાણ / ઉદયન ઠક્કર


!!१!!
નરકમંડલમ્

(અંજારના બાબુલાલે અપમૃત્યુ પામેલા પિતા પાછળ, વગર છાપરાના એક મકાનમાં કથા બેસાડી છે.)

(અનુષ્ટુપ)
ભટ્ટ :
ગ્રંથારંભે સ્મરું વિષ્ણુ, વૃક્ષરૂપી સનાતન
મૂળ તે ધર્મ, ને યજ્ઞો ડાળીઓ, ફળ મોક્ષ છે

(ભટ્ટની હવે પછી સર્વ ઉક્તિઓ સત્યનારાયણની કથાના ઢાળમાં)
ઓ....મ્મ ! અપવિત્ર : પવિત્રો વા
બાજોઠ પર લાલ વસ્ત્ર બિછાવો શ્રીમાન,
પોથી પધરાવો
પોથીને સૂત્ર વડે બાંધો

શ્રોતા ૧ :
ન ખૂલે, ન વંચાય

ભટ્ટ :
નાગરવેલનું લીલું પાન મૂકો,
પાન ઉપર સોપારી મૂકો

શ્રોતા ૨ :
સોપારી સાથે જરા કાથો, જરા ચૂનો

ભટ્ટ :
રક્તચૂર્ણમ્, શ્વેત ચૂ......ર્ણમ્
તો સૂતજીએ શૌનકાદિ બાવાઓને કહ્યું છે
કે પ્રેતની પાછળ પિંડદાન કરવું
પિંડદાનથી અંગૂઠા જેવડો જીવ
એક હાથ જેવડો થાય છે
યમદૂતો એને કાલપાશથી ખેંચતાં
અને મુદ્દગર વડે ફટકારતાં
સો હજાર જોજન લાંબા યમમાર્ગ પર ચલાવે છે

શ્રોતા ૧ :
ચલાવે રાખો મહારાજ ! ચલાવે રાખો, મહારાજ !

ભટ્ટ :
(શ્રોતા ૧ તરફ તાકીને)
જેવી કરણી તેવી ભરણી !
ઘોરા, સુઘોરા, અતિઘોરા, મહાઘોરા,
ઘોરરૂપા, તલાતલા, ભયાનકા
કાલરાત્રિ, ભયોત્કટા અને ચંડા
એવી એવી નરકની દસ કોટિ
ચંડાની નીચે મહાચંડા
તેના પછી ભીમા, ભીષણ, તે સિવાય
કરાલ, વિકરાલ, વજ્ર, અખિલાર્તિદા...

શ્રોતા ૨ :
હેં?

ભટ્ટ :
હેં હેં કરશો નહિ
બીજાંયે ઘણાં છે
વિલોમ, વિલોપ, કુંભીપાક, ક્રકચ,
કુર્મ, કાક, ઉલૂક, શાર્દૂલ, કર્કટ, મંડૂક
સિંહમુખ, વ્યાઘ્રમુખ, કુકુરમુખ, સૂકરમુખ,
મહિષમુખ, ધુકમુખ, કોકમુખ, વૃકમુખ,
અજમુખ, ગજમુખ

શ્રોતા ૧ :
લપ મૂક !

ભટ્ટ :
વધુ ગણતરીથી વૈરાગ્ય થાય
**

(અનુષ્ટુપ)
દ્વારકાવાસી :
દ્વારકાનગરી જાણે દ્વાર ભારતવર્ષનું
આ બાજુ કૃષ્ણના મ્હેલો, પેલી બાજુ વરુણના
આમ એ પુણ્યવંતી ને આમ લાવણ્યવંતીયે
વાહન વિષ્ણુનું તોયે ઓજસ્વી વિષ્ણુતુલ્ય જે
પક્ષીશ્રેષ્ઠ, મરુત્વેગ, વિનીત, વિનીતાસુત
પ્રેરાય બ્રહ્મજિજ્ઞાસાથી પૂછે સ્તુતિપૂર્વક :

ગરુડજી :
લોકાધ્યક્ષ, સુરાધ્યક્ષ, પુષ્કરાક્ષ, પુરાતન !
નરકો કેટલાં સ્વામી ? મુખ્ય એમાં ક્યાં ક્યાં ?

શ્રી વિષ્ણુ :
સો ને ચાળીસનું પૂરું મહામંડળ હોય છે,
ને એમાં અન્ય વર્ગોનાં અઠ્યાવીસ ઉમેરવાં
જો કે સૌ નરકોમાંનાં મહાનાયક પાંચ, તે
ભુજ, રાપર, અંજાર, કર્ણાવતી, ભચાઉ છે

!!२!!
અંજારવર્ણનમ્

ભટ્ટ :
સમજ્યાને બાબુલાલ ?
શું સમજ્યા બાબુલાલ ?
અશ્રુકૂપ, મૂત્રકૂપ, અને વિષ્ટાકૂપ નરકોમાં, પાપીઓએ
પોતાનાં જ અશ્રુ અને મૂત્ર
ખોબે ખોબે પીવાં પડે છે !

(અનુષ્ટુપ)
ગરુડજી :
મહાનાયક ? અંજાર ? એવું તે ત્યાં શું છે, પ્રભુ ?

શ્રી વિષ્ણુ :
કેવી રીતે પિતા એને ઓળખે ? કુંભકાર તો
ફૂટેલી માટલીઓને ઓળખી શકતો નથી
મીરાં કે મહરુન્નીસા ફેર કૈં પડતો નથી

કૂચગીતોથી કુંજતો, ક્યાં ગયો ખત્રીચોક એ ?
ચૂનાના પથ્થરો જયારે, ચારેક દિવસે, ચળે
તળેથી, ચપટું એવું એકાદું ડૂસકું મળે

(શાર્દુલવિક્રીડિત)
‘એમાં શું ? ઘરની જ વાત સમજો, સ્હેજે મૂંઝાશો નહીં !
લ્યો.... પાનેતરમાં વિંટાળી નીકળો, વેળા વહી જાય છે’
કન્યા કોડભરી વિદાય કરવા માફો ન કે વેલડી
એકાદો પણ વાંસ કે થઈ શકે કાચી કૂણી પાલખી...
ત્યારે શામળ નામ કોઈ વણિકે ટાણું લીધું સાચવી

(અનુષ્ટુપ)
અંજારિયો :
કરાળે સપ્તપાતાળે કેટલા દિવસો થયા ?
પાંચ ? સાત ? મહેતાનું મહેણું સાચું નીકળ્યું :
પાયામાંથી જ મારુંયે ગણિત કાચું નીકળ્યું
કેટલા દિવસો થયા
સંભળાયફરીફરી...

શિશુસ્વર :
કેડાં આયો અધા – બાઈ ? કેડા આયો ? સુણો નતાં. ૧
(૧) (કચ્છી) ક્યાં છો બા-બાપુજી ? ક્યાં છો ? સાંભળતાં નથી?

અંજારિયો :
કાંપતા કરમાં કોરું-મોરું ઝીલી સ્વમૂત્રને તૃષાને અંજલિ આપું...

વૃંદગાન :
અંજલિમાં ચાર ચાર ચારણી, રે બ્હેન !
ઝીલું તો ઝરે દશ ધાર
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન !
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે...

(અનુષ્ટુપ)
અંજારિયો :
એની માને ! કરી દેશે નપાણિયું શરીરને
રોકું તો શી રીતે રોકું, આંસુ જેવા અધીરને ?

સાતમે આસમાનેથી ખોંખારો કોણ ખાય છે ?
કાલનો માખણચોર, પુષ્પકે બેસી, જાય છે !
ઉગારી લ્યો, ઉગારી લ્યો, કેશવા, લખમીપતિ !
સાદ આ... સંભળાય છે ?
!!३!!
ભચાઉવર્ણનમ્
(અનુષ્ટુપ)
ગરુડજી :
ભચાઉ નામની ભૂંડી છે કેવી નરકાપુરી ?

શ્રી વિષ્ણુ :
એકલો ને અટૂલો આ કર કોનો, કળાય છે ?
રેખાઓ વાંચી વાંચીને વરતારો કરાય છે
કાનુડો રેત ખાય છે :
મૈયાનાં નયનો જોતાં ને જોતાં રહી જાય છે
મ્હેંદીભીની હથેળીએ
મક્ષિકાઓ વિરાજતી
સીમમાં, ગામ આખામાં, ચિત્તમાં સૂનકાર છે
પ્રેતને મોક્ષ દેવાને, વરાહ-અવતાર છે !
**
ભટ્ટ :
મરણપથારીએ સૂતેલા જીવ પાસે યમદૂતો
વાંકા મોઢાના, ભયંકર નેત્રોવાળા, નખના આયુધોવાળા
કાગડાનાં પીંછાં જેવાં વાળવાળા
સિસોળિયાની જેમ ઊભેલાં રૂંવાડાંવાળા
આવી આવીને દાંત કડકડાવે છે
**

(અનુષ્ટુપ)
શ્રી વિષ્ણુ :
કાગડા-કૂતરાઓને તક નાહક આપવી
નિષ્ઠાવાન જુઓ ઊભા, રાજ્યના કર્મચારીઓ
એકના હાથમાં ઝોલી, ઝોલીમાં કેવું સાચવ્યું
સોનાનાં કંકણોસોતું કુમળું કાંડું કોઈનું

કોઈ કહેતા નથી કોઈ ઊગર્યું પરિવારમાં
તોય તે ડોશીમા રાજી-રાજી, કેવી નવાઈ છે !
બોલ્યાં બોખું હસીને કે આજના અખબારમાં
જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે !

!!४!!
રાપરવર્ણનમ્
ભટ્ટ:
યમમાર્ગ પર જીવ રોકકળ કરે છે :
મોટા પુણ્યે મનુષ્યાવતાર મળ્યો
છતાં દાન કર્યા નહિ
ગાયને ચારો નાખ્યો નહિ
બ્રાહ્મણોને લાડુ નાખ્યા નહિ
(ઓડકાર ખાય)
વળી સ્ત્રી-જીવ કહે છે,
પતિ પાછળ અગ્નિપ્રવેશ કર્યો નહિ
વૈધવ્યમાં માથું મૂંડાવ્યું નહિ
તો હવે માથું કૂટ !

**
(અનુષ્ટુપ)
શ્રી વિષ્ણુ :
અથોડ્યં બ્રહ્મવિદ્યાયાં પુરરાપરવર્ણનમ્

(મંદાક્રાંતા)
એકીશ્વાસે શ્વશુરગૃહનો દાદરો ઊતરેલી
મારી મીઠી ! પિયરઘરથી કેમ ના ઊતરી તું ?
ક્યાં છે એ કોમળ કમલિની ? ઓ રહી... હાશ ! ત્યાં તો
વેરી વૈદે કશું ન કહ્યું ને દાંડલી ચૂંટી લીધી

(અનુષ્ટુપ)
પિતાએ હાથ ખંખેર્યા, આંખોને ફેરવી લીધી
‘મરે ત સારો નિયાણી, નેભાઈ આંઉ નૈં સકાં !’ ૧
(૧) (કચ્છી) દીકરી હવે મરે તો સારું, બાકી મારાથી નહિ નિભાવાય.

રાપરવાસી :
ફાટેલા ડોળે તાકે છે – ક્યાં ગયાં છતછાપરાં ? –
મકાનો, ગીધની જેમ ચકરાતું ઘડિયાળ ને
ગૃહનો મોભ શું તૂટ્યો – નેવાંઓ ડળકી પડ્યાં
ઠંડા પેટે બધું જુએ ચૂલો : તૂટી ગયો પગ
સેજનો, ઝાંઝરીઓએ જીભને કચરી, વળી

ઊંધે માથે પડ્યો ફોટો સાંઈબાબા પ્રસન્નનો
કીડીઓ તાણતી ચાલી અધમૂઈ સ્વરને

ક્યારની, કોઈની કાયા ઠેબાં-ઠોકર ખાય છે
ફરી પાછી અહલ્યામાંથી શલ્યા બની જાય છે

નાકની દાંડીએ દોડ્યા રે દોડ્યા ગંધપારખુ
ઉપતંત્રી, સહતંત્રી, કેમેરાઓ ઝુલાવતાં,
સરેલા સ્વપ્નને તીરે રેતમ્હેલો રચાવતાં
શિશુઓ, છવિખેંચી ત્યાં ખીખીખીખી હસી પડ્યાં
પેલા તો વરસી પડ્યા:
શું જોઈ દાંત કાઢો છો ? અક્કલના ઇસકોતરા !

!!५!!
વિષ્ણુમોચનમ્
ગરુડજી :
વર્ણનો બહુ સાંભળ્યાં ભગવન્
હવે નરકલોક પ્રત્યક્ષ નિહાળવો છે

શ્રી વિષ્ણુ:
(ઢળેલા નેત્રે)
લાચાર છું.

ગરુડજી :
આપ અને લાચાર ? હે દ્વારકાધીશ,
ત્રિલોક અને ત્રિકાળ, આપના શ્રીદેહમાં
વિરાજમાન છે !

શ્રી વિષ્ણુ:
મંદિરની તૂટી પડેલી કમાન હેઠળ
મારાં ચરણ દબાયાં છે, શું કરું?

ગરુડજી :
(પીંછાં ક્રોધથી ફરફરે)
હે ગોવર્ધન ગિરિધારી!
તુચ્છ કમાનની તે શી વિસાત?

શ્રી વિષ્ણુ:
આ મંદિરોનો ભાર હવે નથી ખમાતો.

દ્વારકાવાસી :
પછી ભક્ત અને ભગવાને મળીને, શિલાઓ ખસેડી
અને મંદિરથી મુક્ત થયા.
તત્પશ્ચાત્ દ્વિજ એવા ગરુડે
દ્વિજોત્તમ એવા શ્રી વિષ્ણુને લઈને
કર્ણાવતી તરફ ઊડવા માંડ્યું.

!!६!!
કર્ણાવતીવર્ણનમ્

ભટ્ટ :
શાસ્ત્રોનું વિધાન છે શ્રીમાન,
કે ખાંડનો ચોર આવતે જન્મે કીડી થાય,
ફળનો ચોર વાંદરો, ઘાસનો ચોર ઘેટું,
અને રાંધેલું ચોરનાર ઉંદર થાય
વળી દંભીઓ, અસત્ય વચન વદનારા
દ્વિજિહવ નામે નરકમાં જાય
અને ત્યાં જીભ જેવાં આકારમાં હળથી પીડાય.
**

(ગરુડજી અને શ્રી વિષ્ણુ કર્ણાવતી ઉપર ઝળૂંબે)

ગરુડજી :
(મનહર)
મૂંઝવતી મારી તો મતિને આ સાબરમતી,
પટ સૂકોસટ અને તટ લહેરાય છે !
વાદળને વાતે વાતે વડચકું ભરનારાં,
વસુમતી પાસે નાકલીટી તાણી જાય છે

અમદાવાદી :
હાથ ફરકાવી, નવા નાકને પહેરી કરી,
નેતા ઝિંદાબાદ ! મોડે મોડેથી પધારતા
‘અમે તો સેવાનો ભેખ લીધો છે, પરંતુ..’ કહી,
ધીરે રહી, પોતાની શરત સંભળાવતા,
‘પહેલાં તો સાળા સામેવાળાઓને દૂર કરો,
પછી મારા કાર્યકરો આગળ વિચારશે..’

ગરુડજી :
(કાનમાં કહે)
નેતાજી, આ સહુને તો આપશ્રી ઉગારી લેશો,
એટલું કહોને, કોણ આપને ઉગારશે ?

શ્રી વિષ્ણુ :
(મંદાક્રાંતા)
ક્યાં છે ? ક્યાં છે ? કલરવભરી ડાળ શી એ નિશાળ ?
આવે આછા સ્વર રુદનના કેમ પાતાળમાંથી ?
ધીરે ધીરે પ્રહર સરતાં,એ સ્વરોયે શમે છે
ઝાંખું-પાંખું ઝગમગી રહી દીવડાઓ ઠરે છે

!!७!!
ભુજવર્ણનમ્
ભટ્ટ :
પાર્ષદો પાપીઓને ટપોટપ, નરકાગ્નિમાં હોમે છે
- બાબુલાલ ! જરા પંખો ફાસ્ટ કરજો ! -
વળી અંગોને ચીરી-ચીરીને, રીંગણાની માફક
કઢાઈમાં શેકે છે!
ઠીક યાદ આવ્યું,
એ બાબુલાલ, આજે પ્રસાદમાં શું બનાવ્યું છે ?
(શિયાળવાનું રુદન. ગરુડજી ઉપર આસન્ન એવા શ્રી ભગવાન ભુજના ભગવા આકાશમાં પ્રવેશે)

(અનુષ્ટુપ)
ગરુડજી:
મહાબુદ્ધિ, મહાવીર, મહાશક્તિ, મહાદ્યુતિ!
અરધી રાતના આ શું ? આકાશોમાં અરુણિમા ?
વનો ખાંડવનાં અર્જુનાસ્ત્રોથી પ્રજ્વળી રહ્યાં ?

શ્રી વિષ્ણુ:
મૃતદેહો બળી રહ્યા
કોઈની હોય કાયા ને ડોકું મુકાય કોઈનું
કોઈની યજ્ઞવેદીમાં હવ્ય હોમાય કોઈનું

સૂકાની સાથમાં આજે લીલુંયે બળી જાય છે
જે થતું અસ્થિફૂલનું, અશ્રુનું એ જ થાય છે

ગરુડજી:
રાતની પેશીઓ પૂંઠે પૂંઠે આ કોણ આવતું ?
લઈને લોચનો લાલ, દાઢને સળકાવતું
કારાગૃહેથી આ બાજુ છૂરીઓ છટકી જતી
બીજી બાજુ, નિશાળોમાં પેન્સિલો બટકી જતી
**

ભટ્ટ:
હે ઋષિઓ ! ઊંઘી તો નથી ગયાને?

શ્રોતાઓ:
(ઝબકીને)
ચલાવે રાખો મહારાજ ! ચલાવે રાખો મહારાજ !

ભટ્ટ :
રૌરવ નામના નરકમાં, ગમે તેવો બળવાન મનુષ્ય
પોકે પોકે રુદન કરે છે
હે માતા ! હે પિતા ! હે બંધુ ! હે પુત્ર !
એમ હીબકાં ભરે છે
**

(ચિત્કારો)
(અનુષ્ટુપ)
ગરુડજી:
વંતરી ? વડવાગોળ ? શાકિણી ? કે શિયાળવાં?
ભૂતભવ્યભવન્નાથ, નાદ આ ક્યાંથી આવતો ?

શ્રી વિષ્ણુ:
ચિકિત્સાલય દેખાડું ? પાંખ એ બાજુ વાળજો

ગરુડજી:
ધર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે, અઢાર દિવસો પછી
દ્રશ્યો જોવા મળે તેવાં, દર્શાવો કેમ કેશવ ?

પોચાં રે પોપચાંઓને ઓઢીને કોઈ પૂતળી
નિરાંતે પોઢી, કોઈના હાથ હેઠે પડી ગયા
કોઈના ભાગ્યનું પાનું જોઈને ચકલી હસી !

એકલો વૈદ શુશ્રૂષા કોની કોની કરી શકે ?
તાણતું કોઈ તો કોઈ આવીને પગમાં પડે
આખીયે નગરી જાણે એકસૂરે વિલાપતી

શ્રી વિષ્ણુ:
મહાપંખ, જરા પે...લા હર્મ્યો પાસે વિરામજો

(ગરુડજી ઉદ્દધ્વસ્ત થયેલા ભવન પાસે પહોંચે)

દટાયેલો સ્વર:
બચાવો..... ઓફિસે મારે જવાનું મોડું થાય છે !

સ્ત્રી સ્વર :
(શાર્દૂલવિક્રીડિત: મંગલાષ્ટકનો ઢાળ)
જોતો જા, પળ બે યુવાન, પડખામાં કોણ પોઢ્યું હશે
કાયા જોઈ કદાચ ઓળખી જશે, કે આ તો ‘અર્ધાંગિની’
જેણે છેક સુધી સુચારુ કરને લંબાવી રાખ્યો હતો
સાચે મોડું થયું યુવાન, ગઈ વેળા હસ્તમેળાપની
**

ભટ્ટ :
અગ્નિ સમ તેજસ્વી શીમળાના વૃક્ષ પર
પ્રેતને સાંકળથી બાંધીને
ચંડ-પ્રચંડાદિ યમદૂતો
(હાથ વીંઝીને) મુદ્દગર વડે સટાસટ સટાસટ...
સમજ્યાને બાબુલાલ ?

શું સમજ્યા બાબુલાલ ?
પછી માથું વગેરે અંગોને કરવત વડે...

(અનુષ્ટુપ)
ગરુડજી:
કાપતા પાર્ષદો કેમ કર આ કાયના, પ્રભુ ?

શ્રી વિષ્ણુ:
(વસંતતિલકા)
ભાંગ્યાં ભડાક દઈને છત છાપરાંઓ
કંદુક શો ઉછળકૂદ કરે કન્હાઈ
મા કુમળા કવચ શી વળી વીંટળાઈ

ખાસ્સા ત્રણેક દિવસો પછી, જેમતેમ
ખોળ્યાં, સુખેથી શિશુ તો બચકારતું’તું
બાઝ્યાં કઈંક સ્તનમંડળ, રક્તબિંદુ

આશ્ર્લેષમાંથી શિશુ કેમ બહાર લેવું ?
ગાત્રો અકેક કરતાં અકડાઈ ચાલ્યાં

(અનુષ્ટુપ)
અંતે મુક્ત કર્યું એને માતાની મૃત્યુનાળથી
કાચી કૂંપળને કોઈ ચૂંટી લે જેમ ડાળથી

ગરુડજી :
રૂપની છાલકો જેવી કોણ આ નવયૌવના ?

શ્રી વિષ્ણુ:
(મંદાક્રાંતા)
કાનોમાં નૂપુર કહી ગયાં, કૂજી કૂજી કંઈ, ને
ઝૂલો ચાલ્યો રુમઝુમ કરી, યૌવનાને લઈને

છાને ખૂણે સ્મિત વિલસતું, ખંજનોથી ખચેલું
હોઠે આવી સરરર કરી બેસતું, ગીત પેલું

ક્યાં છે મારો લબરમૂછિયો ? એમ પૂછે ફળિયું
આવ્યો જાણી અહીં-ત્યંહી જુએ, ઓકળી-ઓકળીયું,

ત્યાં ઓચિંતું નયન ફરક્યું, ક્યાં હશે એ અટાણે ?
ઝૂલા લેતી મૃદુસ્મિતવતી જાણવાનું ન જાણે !

ગરુડજી :
કેવી ભોળી ! શું થઈ ગયું એ જાણ્યું જયારે, શું બોલી ?

યૌવના:
હું છું બાકી, અરધું જ થયું કાર્ય સંહારવાનું
હાથીભાંગ્યું તરુવર જતાં વલ્લરીએ જવાનું

તારે-મારે વળગણ વળી કેવું ને કેવી વાત ?
સેતુ તૂટે પછી કમલિની ક્યાં અને ક્યાં પ્રપાત ?

આવી રીતે અરધું-પરધું કામ મૂકી જવાનું ?
મ્હેંદી કોણ, લળી-લળી હવે, પાનીએ પૂરવાનું ?

સાચું કહેજો, સખી સમજીને, વાયરાની લહેરો !
જે જગ્યાએ ઝળહળ હતી, કેમ ત્યાં ધૂમ્રસેરો ?૧
(૧) યૌવનાની ઉક્તિનો આધાર : ‘રતિવિલાપ’ (કુમારસંભવ)

!!८!!
સ્વર્ગલોકવર્ણનમ્

ભટ્ટ:
સૂતપુરાણી કહે છે શ્રીમાન,
ઘોર પાપકર્મ કર્યા, તો ભલે કર્યા
બસ, ગાય-વાછરડીનું દાન કરો
અને તેનાં રુંવાડાં હોય તેટલાં વરસ
સુખેથી, સ્વર્ગલોકમાં રહો
એટલે પુરાણ વાંચનાર વ્યાસરૂપ બ્રાહ્મણને
શિંગડીઓ અને ખરીઓ સોના-રૂપાથી મઢાવેલી
સવા લાખ ગાય દાનમાં દેવી...

બાબુલાલ :
(ઊભો થઈ જાય )
સવા લાખ ગાય !

ભટ્ટ :
સવા રૂપિયો પણ ચાલશે
**

ગરુડજી :
હે પ્રજાપતિ ! આપે નરકમંડળ વિષે કહ્યું
પણ સ્વર્ગ કેટલાં ? શું તેમનાં નામ ?
તે ક્યાં આવ્યાં?

શ્રી વિષ્ણુ :
ભો: તપોધન, સ્વર્ગ તો છે અનેક
પણ તેમાંનાં મુખ્ય, તે
અંજાર, ભચાઉ, રાપર, કર્ણાવતી અને ભુજ.

તમે પૂછો છો, સ્વર્ગ ક્યાં આવ્યાં ?
શું તમને સ્વર્ગની સુવાસ ન આવી
ચાની રેંકડી ચલાવતા છોકરડાએ
દાન માટે ઉતારી આપેલા ફાટલાતૂટલા ખમીસમાંથી ?

તમે સ્વર્ગને સ્પર્શી ન શક્યા
પોતીકું ગુમાવીને, પારકું ઉગારવા મથતા
શ્રમજીવીની આંખેથી, ન ટપકેલી ઉનાશમાં ?

ક્યાં છે સ્વર્ગ ?
ભાંગેલા ઘરને ચબૂતરે
વેરેલી જુવાર
તમે ચણી નથી લાગતી

ધનધાન્ય લઈને નીકળી પડેલા
કચ્છનું જોકે ઠામઠેકાણુંય ન જાણતા
હરિયાણવી ખેડૂતને કંઠે લચેલી બૈસાખી હલક
તમે સાંભળી નથી લાગતી

હે ગરુડ, કશ્યપપુત્ર !
ભીંતો વચ્ચે રહેંસાઈ રહેલા પિતાએ
વિશ્વને લંબાતે હાથે ધરી દીધેલું શિશુ
તે સ્વર્ગ.

!!९!!
શ્રવણફલમ્

ભટ્ટ:
વ્યાસજીએ સૂતજીને કીધેલું
અને સૂતજીએ શૌનકાદિ બાવાઓને કીધેલું
ગરુડમહાપુરાણ અહિયાં સમાપ્ત થ....યું...
બોલો શ્રી ગરુડ મહારાજ કી....

શ્રોતાઓ :
જય !

(ભટ્ટજી લોટીજીમાં ચમચો રણકાવે, યજમાન વજાડે થાળી, શ્રોતાઓ તાળી, જપિયો શંખ. બરાબર એ જ વખતે બાબુલાલના વગર છાપરાના મકાન ઉપરથી ગરુડજી અને શ્રી વિષ્ણુ પસાર થયા.)

શ્રી વિષ્ણુ :
હે મહાપ્રાજ્ઞ, તમે સહસ્ત્ર વર્ષ મારી તપશ્ચર્યા કરેલી
આ ગૂઢ શાસ્ત્ર તમારે નામે ઓળખાશે.

ગરુડજી :
(આંખમાં હર્ષનાં આંસુ)
સાચે જ ?
કરુણાનિધિ, એવા પણ આશીર્વાદ આપો
કે આ સૃષ્ટિસમસ્ત, નર્ક યાતનાથી મુક્ત થાય !

શ્રી વિષ્ણુ :
(હોઠ ફફડે)

ગરુડજી:
જી ? શું કહ્યું ?

શ્રી વિષ્ણુ :
(હોઠ ફફડે)

ગરુડજી:
(શ્રી વિષ્ણુ તરફ ડોક ફેરવીને)
હે વાચસ્પતિ ! બ્રહ્માંડો પ્રતીક્ષે છે
આપનો શબ્દ....

શ્રી વિષ્ણુ :
(હોઠ ફફડે)
(સંભળાયા કરે કોલાહલ, આરતીનો.)


0 comments


Leave comment