59 - અમે-તમે / મનોહર ત્રિવેદી


જનમજૂઠડા અમે સાધુડા, તમે જ મોતી સાચાં રે,
સૂરજનાં અજવાળાંઓ પણ પડે તમસને ટાંચાં રે.

પડછાયામાં અમે રહીને
થયા તેજથી આઘા
ઊતર્યા ફેંક્યા ને બદલ્યા
નવાનવા કૈં વાઘા

તમે ગેરુઓ રંગ ચૂન્યો જ્યાં બીજા સરવે કાચા રે

પાય તમારા અટકે ત્યાં-ત્યાં
કૈંક ઊઘડતાં દ્રાર
હાથ અડે ને થાય ધૂળમાં
કૂંપળનો સંચાર

ગળતી રાતે તંબુરને અમથી ના ફૂટે વાચા રે

હળ્યામળ્યા ને હેત વ્હેંચતા
મળે કોઈ જો સામું
વગર નોંતરે ગયા વ્યથાનું
પૂછીને સરનામું

તમે ઘરેઘર હતા ને અમને રોકે ખૂણાખાંચા રે
જનમજૂઠડા અમે સાધુડા, તમે જ મોતી સાચાં ર
*

૦૨-૧૦-૨૦૦૮ / ગુરુ


0 comments


Leave comment