62 - બીડ સાંઝુકું / મનોહર ત્રિવેદી


સાવ પીળું ને ભૂખરું સૂકું
જોજન પડ્યું બીડ સાંજુકું

પવન કરે સાન ને ઊડ્યે જાય છે
પાછળ ખડની સળી
ઝાડવાંએ ઝંખવાઈને પૂછ્યું :
વાયરા હાર્યે આમ કાં હળી ?

મન માને ત્યાં ઊડવાનું : શું અહીંનું થાનક લાગતું ટૂંકું ?

અજવાળાંની બચકી બાંધી
કેડીઓ વળી ટેકરી વાંસે
થૉરને થતું : નળ્યમાં અરે
કોઈ ફૂદું ના ફરકે પાસે !

ડચકારા કિચુડાટ ગાડાંના : ક્યાંય નહીં પરખાય ઠામૂકું

કાન માંડ્યા ત્યાં વાગતી આઘે
ઝાંઝરની કૈં ઘૂઘરી ઝીણી
જોઉં તો પણે ચંદર સાથે
પાતળી કાયા કોઈ નદીની

ઊજળું મોઢું સીમનું થતાં આભ જુએ જાણે પેલાવારુકું !
*

૧૫-૧૨-૨૦૦૭ / શનિ


0 comments


Leave comment