65 - નૃત્યગીત / મનોહર ત્રિવેદી


ખણક ખણક
બંગડી બોલે ખણક ખણક
ઝાંઝર બોલે છણક છણક

નદીએ જઈ નીર ભરું ત્યાં બેડલું થાતું છલક છલક

ઢાળ ચડું ને કેડ્ય તો થાતી લચક લચક
ઝાડ મૂઆં આ નીરખે મુંને લળક લળક

દૂર કેડી પર ઢેલની ઉપર મોરલો ગ્હેક્યો ગળક ગળક
ખણક ખણક

પાનીએ કાંટો વાગતાં ખૂંચે સળક સળક
ઘર નથી કૈં ઢૂંકડું ને થાય ફડક ફડક

હાશ ! ત્યાં વાટે ખબર પૂછે નેહથી મારો મીઠડો મલક
ખણક ખણક

પીડતું ચારે કોરથી જોબન ઝલક ઝલક
મળતી સામે સૈ ને એના હોઠ બે થાતા મલક મકલ :

મન મૂકીને નાચીએ, નહીં પાડીએ આંસુ ડળક ડળક
ખણક ખણક
*
સ્મરણ : અવિનાશ વ્યાસ

૦૭-૧૨-૨૦૦૭ / શુક્ર


0 comments


Leave comment