66 - વડછડ / મનોહર ત્રિવેદી


: ગોપીઓ :
યશોદા, વાત ચડી ગઈ વટે –
કહે કાન : ગોકુળની ગલીએ
રાધા કહે : વૃંદાવન મળીએ
વડછડ કરતાં ગયાં આખરે બેઉ જમુના – તટે

: રાધા :
તું ગોપીનાં વસ્ત્ર છુપાવે, સહે કોઈ ક્યાં લગી ક્હેને ?
હું તો ઠીક કે વેઠું, બીજી કોણ છે તારી સગી, ક્હેને ?
કાલિન્દી ઓછી છું કે જળ કદી વધે કે ઘટે ? –

: કાન :
તારું સગપણ મોરપિચ્છ ને આ બંસીના સૂર, એ જને ?
વાતે વાતે મોં મચકોડી ફેંકી દે નૂપુર, એ જને ?
તારી હઠ ને રીંસ આમ મારાથી જા, નંઈ મટે –

: ગોપીઓ :
અમે જ નંઈ, પણ જોઈજોઈને હસે કદમ્બનાં ફૂલ, યશોદા
કોણ નહોતું એકબીજાને મળવાને વ્યાકુલ, યશોદા ?
રાધા અટકી પગલીમાં : મોહન ગુંચવાયો લટે –
યશોદા, વાત ચડી ગઈ વટે
*
સ્મરણ : નિનુ મઝુમદાર


0 comments


Leave comment